SEBI પ્રમુખ માધબી બુચ સંસદીય સમિતિની બેઠકમાં હાજર ન રહ્યા, ભાજપ-કોંગ્રેસ બાખડ્યાં
SEBI Chief Madhabi Puri Buch: SEBI ના વડા માધબી પુરી બુચની ગેરહાજરીના કારણે સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC)ની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. PAC ના હેડ કેસી વેણુગોપાલે આ અંગે જાણકારી આપી હતી કે, માધબી પુરી બુચની ગેરહાજરીના કારણે કમિટીની આજની બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. બુચે પોતે સૂચના આપી હતી કે, અંગત કારણોસર તે દિલ્હી પહોંચી શકશે નહીં.
માધબી પુરી બુચ ગેરહાજર રહી
PAC ની પ્રથમ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પહેલા વિષય રૂપે અમે રેગ્યુલેટરી સંસ્થાઓની સમીક્ષા કરીશું. જેના ભાગરૂપે આજે આયોજિત બેઠકમાં સેબીના વડાને સમીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. વેણુગોપાલે જણાવ્યું હતું કે, કમિટીની આ સમીક્ષામાં સેબીના વડાએ ઉપસ્થિતિમાં છૂટ આપવાની માગ કરી હતી. પરંતુ અમે તેનો ઈનકાર કર્યો હતો. બાદમાં ખાતરી કરવામાં આવી હતી કે, તે કમિટી સમક્ષ હાજર રહેશે. આજે સાડા નવ વાગ્યે સેબીના વડા અને સેબીના અન્ય સભ્યોએ અમને સૂચના આપી કે, અંગત કારણોસર તે દિલ્હીની યાત્રા કરી શકશે નહીં.
ભાજપે મૂક્યા આરોપ
PAC ના ચેરમેનની ફરિયાદ કરવા એનડીએના સાંસદ લોકસભા સ્પીકર સમક્ષ પહોંચ્યા હતાં અને તેમણે કહ્યું હતું કે, કેસી વેણુગોપાલનો ઈરાદો દેશના નાણાકીય ઢાંચાને તોડવાનો છે. આ સંદર્ભે થોડા સમય પહેલાં જ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો કે, માધબી બુચને બોલાવવાનો PAC ને કોઈ અધિકાર નથી.
આ પણ વાંચોઃ ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, GDP 7% જેટલો રહે તેવો અંદાજ : IMFનો રિપોર્ટ
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના જણાવ્યા અનુસાર, દરેક સ્ટેન્ડિંગ કમિટી તે વિભાગ સંબંધિત રેગ્યુલેટરી કમિટીની સમીક્ષા કરે છે. પરંતુ PAC ના અધ્યક્ષે પોતાની રીતે નિર્ણય લીધો અને સેબીના વડા માધબી બુચને બોલાવ્યા, તેમણે આ કેવી રીતે નક્કી કર્યું? PAC નું કામ કેગના રિપોર્ટ પર વિચાર કરવાનું છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ CAG એ પોતાના રિપોર્ટમાં SEBI અંગે કોઈ માહિતી આપી નથી. આ સમગ્ર તપાસ અસંસદીય, પીડાદાયક છે અને તમામ સભ્યો નાખુશ હતા.
બેઠકના એજન્ડામાં શું છે?
બેઠકના કાર્યસૂચિમાં સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત નિયમનકારી સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવાના સમિતિના નિર્ણયના ભાગરૂપે નાણાં મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના પ્રતિનિધિઓના મૌખિક પુરાવા રજૂ કરવાનો સમાવેશ કર્યો હતો.
એનડીએ કેમ નારાજ?
કાયદા દ્વારા સ્થાપિત રેગ્યેલટરી સંસ્થાઓની કામગીરીની સમીક્ષાને એજન્ડામાં સમાવવાના સમિતિના નિર્ણય સામે કોઈ વિરોધ નહોતો. જો કે, વેણુગોપાલના બુચને બોલાવવાના પગલાએ શાસક પક્ષના સભ્યોને નારાજ કર્યા હતા કારણ કે તે અમેરિકન સંસ્થા સામે હિન્ડનબર્ગના આરોપોને લઈને રાજકીય વિવાદના કેન્દ્રમાં રહી હતી.