બિહારઃ એનડીએમાં બેઠકોની વહેંચણી ફાઈનલ, ભાજપ 17 અને જેડીયુ 16, પશુપતિ પારસને ઠેંગો
Lok Sabha Election 2024: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ત્યારે બિહારમાં લોકસભા ચૂંટણી માટે NDAમાં બેઠકની વહેંચણી કરવામાં આવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે. બીજેપીના બિહાર પ્રભારી વિનોદ તાવડેએ NDA નેતાઓ સાથે પત્રકાર પરિષદ કરીને એનડીએ ગઠબંધનની તમામ બેઠકની જાહેરાત કરી હતી.
જાણો કોને કેટલી બેઠક મળી
જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તે મુજબ ભાજપ 17 બેઠક પર ચૂંટણી લડશે જ્યારે જેડીયુ 16 બેઠક પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીને પાંચ બેઠક, માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ને એક બેઠક અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને એર બેઠક આપવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે પશુપતિ પારસની લોક જન શક્તિ પાર્ટીને આમાં એક પણ બેઠક મળી નથી. થોડા દિવસો પહેલા પારસે બળવાનો ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે, 'મારી પાસે વિકલ્પો ખુલ્લા છે.'
ભાજપ આ બેઠકો પર ચૂંટણી લડશે
પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, આરા, બક્સુર, સાસારામ અને અરરિયા બેઠક પર ભાજપ ચૂંટણી લડશે.
જેડીયુના ખાતામાં 16 બેઠક આવી
બાલ્મિકી નગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહર બેઠક જેડીયુના ખાતમાં આવી છે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ બેઠકો પર ચૂંટણી લડશે
વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈ બેઠક પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ચૂંટણી લડશે. જીતન રામ માંઝીની પાર્ટી ગયા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી કરકટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે
બિહારમાં સાત તબક્કામાં 19મી એપ્રિલ, 26મી એપ્રિલ, સાતમી મે, 13મી મે, 20મી મે, 25મી મે અને પહેલી જૂને મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં બિહારની ચાર બેઠક પર મતદાન થશે. ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં 5-5 બેઠક પર મતદાન થશે. આ સિવાય છઠ્ઠા અને સાતમા તબક્કામાં 8-8 બેઠક પર મતદાન થશે.