નદીમાં ડૂબી ગયેલા બાળકોને બચાવવા જતાં SDRFની બોટ પણ પલટી, ત્રણ જવાનોના મોતથી હડકંપ
Boat Capsize in Maharashtra: મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા બાળકોને શોધવા માટે એસડીઆરએફના જવાનો પ્રવરા નદીમાં બોટ લઈ ઉતર્યા હતા. આ દરમિયાન જોરદાર વહેણને કારણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બોટ પોતે જ પાણીમાં ડૂબી ગઈ અને ત્રણ જવાન મૃત્યુ પામી જતાં હડકંપ મચી ગયો. આ ઘટનામાં બે જવાનો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
ખરેખર મામલો શું હતો?
ખરેખર તો બે બાળકોના ડૂબવાની માહિતી મળ્યા પછી SDRF ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. શોધખોળ અભિયાન દરમિયાન એક બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો અને બીજાનો મૃતદેહ મળ્યો ન હતો, તેથી SDRF ટીમે 23 મેના રોજ સવારે 6 વાગ્યાથી ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં બે બાળકો અને ત્રણ જવાનનો સમાવેશ થાય છે.
ડેમનું પાણી બન્યો કાળ
થોડા દિવસો પહેલા ગામના બે બાળકો નદીમાં ડૂબી ગયા હતા. એસડીઆરએફના જવાનોએ પ્રવરા નદીમાં ડૂબી ગયેલા આ બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીના વહેણની ઝડપ ખૂબ જ ઝડપી બની હતી. પાણીના જોરદાર પ્રવાહને કારણે બોટ પણ ન ટકી શકી અને ડૂબી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ જવાનોના મોત થયા છે. ત્રણ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. બંનેની શોધખોળ હજુ ચાલુ છે.આ ઘટના અકોલે તાલુકાના સુગાંવ ગામ પાસે બની હતી.