'મહિલાઓ-બાળકોની મરણચીસો...', ત્રણ માળના ઘરમાં લાગી આગ, પતિ-પત્ની અને પુત્રી સહિત પાંચના નિધન
Image: Facebook
Ghaziabad Fire Tragedy: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં લોની બોર્ડર પર વસેલા બેહટા હાજીપુર ગામમાં ગત રાત્રે ભીષણ આગની ઘટના બની. 3 માળના મકાનમાં ભીષણ આગ લાગી ગઈ જેમાં પરિવારના 5 લોકો જીવતા ભૂંજાયા. મૃતકોમાં 2 મહિલાઓ અને 2 બાળકો સામેલ છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ તપાસમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટ થવાથી લાગી પરંતુ પાંચેય લોકો આગમાં લપેટાયેલા ઘરમાંથી બહાર નીકળી શકતાં હતાં. પોતાનો જીવ બચાવી શકતાં હતાં પરંતુ જીવતા ભૂંજાઈ ગયા કેમ કે તેઓ ઘરેથી બહાર નીકળી જ શક્યા નહીં. તેમને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. પાંચેય લોકો ચીસો પાડતાં રહ્યાં પરંતુ આગની લપેટોને જોઈને કોઈ તેમને બચાવવાની હિંમત કરી શક્યાં નહીં.
શા માટે પાંચેય લોકો ઘરમાંથી નીકળી શક્યાં નહીં?
પોલીસના સૂત્રોના જણાવ્યાં અનુસાર મૃતદેહો ઘરના રૂમમાં, સીડીઓ પર મેઈન ગેટ પર મળ્યાં. તપાસમાં જાણવા મળ્યું કે પાંચેય મૃતક જીવ બચાવવા માટે છત તરફ દોડ્યા પરંતુ છતના દરવાજા પર તાળું હતું. મેઈન ગેટ પર પણ બહારથી તાળું હતું. ચાવી પણ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલી હતી, કેમ કે ઘરના મોભી ઈશ્તિયાક નમાજ પઢવા મસ્જિદ ગયાં હતાં. બંને પુત્ર શાકિબ અને સારિક કોઈ કામથી બહાર ગયાં હતાં.
ઘરમાં ઈશ્તિયાકની પત્ની, પુત્રની પત્ની, પુત્રી-જમાઈ અને પૌત્રો હતાં. ગ્રાઉન્ડ ફ્લોર પર ફોમનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે આગ વધતી ગઈ. આખા ઘરમાં ફોમમાં આગ લાગવાથી બનનાર ઝેરીલો ધૂમાડો ભરાઈ ગયો. ધૂમાડાથી પાંચેયનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેઓ આગની લપેટમાં આવીને મૃત્યુ પામ્યા. તાળું હોવાના કારણે ન કોઈ બહાર આવી શક્યું અને ન કોઈ અંદર જઈ શક્યું.
ઘરમાં ફોમનું કામ કરતો હતો સાજિદ
રિપોર્ટ અનુસાર મૃતકોની ઓળખ 28 વર્ષીય ફેહરીન પત્ની સારિક, સારિકની 30 વર્ષીય બહેન નાજરા, સારિકનો 7 વર્ષનો પુત્ર શીશ, નાજરાની 8 વર્ષની પુત્રી ઈફરા, નજારાનો પતિ 35 વર્ષીય સૈફુલ રહેમાન તરીકે થઈ. સારિકની 22 વર્ષીય બહેન ઉજમાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાડોશીઓએ આગ લાગવાની માહિતી ફાયર વિભાગને આપી.
ફાયર બ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. ઈશ્તિયાકનો પુત્ર સાજિદ ઘરમાં જ ફોમનું કામ કરતો હતો પરંતુ શોર્ટ સર્કિટથી આગ ફોમમાં લાગી ગઈ અને ભીષણ અગ્નિકાંડ થયો. આ ફોમ અને આગે 5 લોકોના જીવ લીધાં. ઘટના સ્થળે હાજર એડિશન કમિશનર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું.