જેસલમેરમાં ધરતી ચીરીને બહાર આવેલા પાણીના ફુવારા અંગે વિજ્ઞાનીઓેએ કર્યો મોટો દાવો
Boring of tube well in Mohangarh, Jaisalmer: હાલમાં જ જેસલમેરના મોહનગઢમાં ટ્યુબવેલના બોરિંગ દરમિયાન બોરવેલ ટ્રક સહિત મશીન જમીનમાં સમાઈ ગયા હતા. તેની સાથે જ જમીનમાંથી ભારે પ્રેશર સાથે પાણી બહાર આવવા લાગ્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અચાનક આ રીતે જમીનમાંથી પાણી આવવાથી લોકો જુદા જુદા દાવા કરી રહ્યા છે. આ ઉપરાંત એક એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ સરસ્વતી નદીનું પાણી છે. જોકે, ભૂગર્ભજળના વિજ્ઞાનીઓએ આ દાવો સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
આ પણ વાંચો: 'ભારત હંમેશા માલદીવના...', વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન સાંભળીને ચીનને લાગશે ઝટકો
ટ્રક અને મશીન જમીનમાં સમાઈ ગયા
હકીકતમાં જેસલમેરના મોહનગઢમાં એક ખેતરમાં ટ્યુબવેલ માટે બોરિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ટ્રક અને મશીન જમીનમાં સમાઈ ગયા અને અચાનક ભૂગર્ભમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. આ પાણી સતત ત્રણ દિવસ સુધી વહેતું રહ્યું. જેને લઈને બરોડાથી ઓએનજીસીની ક્રાઇસીસ મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર અભ્યાસ શરુ કર્યો હતો.
પાણી 60 લાખ વર્ષ જૂનું હોવાની સંભાવના
ભૂગર્ભજળ નિષ્ણાતોનું માનવું છે કે, જમીનમાંથી ટર્સરી કાળની રેતી નીકળી રહી છે, જેને જોતાં આ પાણી 60 લાખ વર્ષ જૂનું હોવાની સંભાવના છે. એટલે કે વૈદિકથી પણ જૂનું હોવાની શક્યતા છે, અને તેના પર એક અભ્યાસ થવો જરૂરી છે. જેથી અહીં અભ્યાસ માટે કેટલાક કૂવા ખોદવામાં આવશે.
પ્રેશર સાથે સતત સફેદ રંગની માટી પણ નીકળી રહી છે
જમીનમાંથી પ્રેશર સાથે સતત સફેદ રંગની માટી પણ નીકળી રહી છે. આ માટી ચીકણી છે, જેના કારણે કેટલાક લોકો તેને સરસ્વતી નદીનું પાણી માની રહ્યા છે. પરંતુ આ પાણી ખારું છે, જેથી વિજ્ઞાનીઓએ સરસ્વતી નદીના દાવાને નકારી રહ્યા છે. હકીકતમાં જેસલમેરનો આ વિસ્તાર આશરે 25 કરોડ વર્ષ પહેલા ટેથિસ સમુદ્રનો કિનારો હતો. હાલમાં કેટલાક વિજ્ઞાનીઓ આ અંગે વધુ સંશોધનમાં લાગેલા છે. બોરવેલનું ખારું પાણી અને સફેદ ચીકણી માટી દરિયાનું પાણી એકસરખું હોવાથી દાવો વધુ મજબૂત થઈ રહ્યો છે.
પાણીની સાથે સાથે ગેસના પરપોટા નીકળી રહ્યા છે
ટ્યુબવેલના ખાડામાં દટાયેલી ટ્રક અને મશીનને બહાર કાઢવું કે નહીં તે અંગે અન્ય ટેકનિકલ રિપોર્ટ કલેક્ટર પ્રતાપસિંહ નાથાવતને સોપવામાં આવ્યો છે. પાણીના ખાડામાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, પરંતુ ભૂગર્ભમાંથી ગેસ હજુ પણ બહાર આવી રહ્યો છે. પાણીની સાથે સાથે ગેસના પરપોટા નીકળી રહ્યા છે.
આ પણ વાંચો: હું પણ મારા માટે શીશમહેલ બનાવી શકતો હતો, પણ મેં લોકો માટે ઘર બનાવ્યા: PM મોદી
મશીન અને ટ્રકને ખાડામાંથી બહાર કાઢવી યોગ્ય નથી
ONGCની ટીમે ગ્રામજનોને મૌખિક સલાહ આપતાં કહ્યું કે, મશીન અને ટ્રકને ખાડામાંથી બહાર કાઢવી યોગ્ય નથી, કારણ કે, ટ્રકને ખાડામાંથી બહાર કાઢવામાં ખૂબ મોટો ખર્ચ થઈ શકે છે.