દુષ્કર્મના કેસમાં કોલકાતા હાઈકોર્ટની વાંધાજનક ભાષાથી સુપ્રીમ કોર્ટ નારાજ, રાજ્ય સરકારને ફટકારી નોટીસ
કોલકાતા હાઈકોર્ટે દુષ્કર્મના એક કેસમાં પોતાના નિર્ણયમાં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટ ઉઠાવ્યો વાંધો
સુપ્રીમે રાજ્ય સરકારને નોટીસ પાઠવી જવાબ માગ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ન્યાયાધીશો પાસે આવી આશા ન હતી’
નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં કોલકાતા હાઈકોર્ટના નિર્ણયની ભાષા મામલે વાંધો ઉઠાવ્યો છે. દુષ્કર્મના એક કેસમાં કોલકાતા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, કિશોરવયની છોકરીઓએ પોતાની જાતીય ઈચ્છાઓને કાબૂમાં રાખવી જોઈએ અને 2 મિનિટના આનંદના ચક્કરમાં ન પડવું જોઈએ, ત્યારે હવે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોલકાતા હાઈકોર્ટના નિર્ણયની કેટલીક બાબતો ખુબ જ વાંધાજનક અને અયોગ્ય છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકારી નોટિસ
સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવનાર ન્યાયાધીશો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની પાસેથી એવી આશા ન હતી કે, પોતાના વિચારો શેર કરે અથવા ભાષાનો ઉપયોગ કરે. હાઈકોર્ટના ભાષા બંધારણની કલમ 21 મુજબ સગીરના અધિકારોનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે મામલાને તુરંત ધ્યાને લઈ સુનાવણી હાથ ધરી હતી તેમજ રાજ્ય સરકારો અને અન્યોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે, શું તેઓ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુનાવણી કરશે ?