'સમિતિઓ બનાવવાથી પ્રદૂષણ ખતમ નથી થવાનું', દિલ્હી ગેસ ચેમ્બર બનતાં સુપ્રીમકોર્ટની ગંભીર ટિપ્પણી
સુપ્રીમ કોર્ટના પ્રશ્નનો બાદ અરજદારના વકીલે PIL પાછી ખેંચી લીધી
SC on Pollution : શિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે તે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આજે સુપ્રીમમાં પ્રદૂષણના આકલન માટે એક સ્થાયી સમિતી રચવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આ અરજી પર વિચાર કરવા ના કહી દીધી હતી.
શું સમિતિઓની રચનાથી પ્રદૂષણથી મળશે મુક્તિ?
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતા વાળી પીઠએ કહ્યું કે, આ સંપૂર્ણપણે નીતિગત મામલો છે. બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. તેમણે પૂછ્યું, 'શું તમને લાગે છે કે દેશભરના તમામ જિલ્લાઓમાં સમિતિઓ બનવામાં આવશે તો પ્રદૂષણ મુક્તિ મળશે?' આ પ્રકારની સમિતિઓની રચનાથી હાલની સ્થિતિ સુધારશે નહીં.
જિલ્લા સ્તરે પ્રદૂષણના મૂલ્યાંકન માટે સમિતિ રચવાની માંગ
સુપ્રીમ કોર્ટના પ્રશ્નનો બાદ અરજદારના વકીલે PIL પાછી ખેંચી લીધી હતી. સુપ્રીમ કોર્ટ અજય નારાયણરાવ ગજબહાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં પ્રદૂષણનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા સ્તરે એક સ્થાયી નિષ્ણાત સમિતિની રચના કરવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી.