ચૂંટણી પહેલા 'મફત યોજનાઓ' લાંચ સમાન: સુપ્રીમ કોર્ટમાં અરજી, સરકાર અને ચૂંટણી પંચને નોટિસ
SC issues notice to EC And Centre: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની આજે જાહેરાત થવાની છે. આ પહેલાં બંને રાજ્યોમાં સત્તાપક્ષો દ્વારા જનતા માટે ઘણી લોભામણી યોજનાઓની પણ જાહેરાત કરવામાં છે. મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયા સુધી રોકડ આપવાની યોજનાનું એલાન થયું, તેમજ ટોલ ટેક્સમાં છૂટ જેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા. જોકે, આવા નિર્ણયોને ચેલેન્જ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સોમવારે (14 ઑક્ટોબર) આ અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપવામાં આવી છે.
મફત યોજનવાને લાંચ તરીકે જાહેર કરવા માગ
આ અરજીમાં કોર્ટ પાસે માગ કરવામાં આવી કે, ચૂંટણીની ઠીક પહેલાં મફત યોજનાઓની જાહેરાતને લાંચ તરીકે ઘોષિત કરવી જોઈએ. તે મતદાતાઓને એક પ્રકારની લાંચ આપવા સમાન છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ સિવાય આ પહેલાં પણ જે પડતર અરજીઓ હતી તેને પણ આની સાથે જ જોડી દેવામાં આવી છે. અરજીકર્તાએ માગ કરી હતી કે, ચૂંટણીના થોડા સમય પહેલાં મફત યોજનાઓની જાહેરાતો પર પ્રતિબંધ લાગવો જોઈએ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાશે, આજે તારીખોની જાહેરાત કરશે ચૂંટણી પંચ
રાજકીય પાર્ટી પર પણ લગામ લગાવવા કરી માગ
અરજીકર્તાએ કહ્યું કે, આવા પ્રતિબંધ ફક્ત સરકાર જ નહીં પરંતુ, તમામ રાજકીય પાર્ટીઓ પર પણ લાગવા જોઈએ. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રથી લઈને ઝારખંડ સુધી આવી યોજનાઓની ભરમાર જોવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ એન્ટ્રી પર લાગતા તમામ ટોલ ટેક્સ કાર માટે માફ કરી દીધાં છે. આ સિવાય 'લાડકી બહેન યોજના'ની જાહેરાત પણ થઈ. વળી, ઓબીસી અનામત માટે ક્રીમીલેયર વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. આવી જ ઘણી યોજનાઓની જાહેરાત ઝારખંડમાં પણ થઈ છે. હરિયાણામાં પણ ચૂંટણીની ઠીક પહેલાં સરકારે આવા ઘણાં નિર્ણય લીધા હતાં. ચૂંટણી લડનારી કોંગ્રેસે પણ આવી ઘણી જાહેરાત કરી હતી. હવે આવી જાહેરાતોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.