માત્ર અદાણી-અંબાણીની જ સુનાવણી થાય છે, તમારું લેક્ચર સાંભળવા નથી આવ્યા: પહેલા જ દિવસે CJIએ કોને તતડાવ્યા
- જસ્ટિસ સંજીવ ખન્નાએ 51મા મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ કર્યા
- સીજેઆઇ ખન્ના પહેલા જ દિવસે એમએસએમઇની સુનાવણી વખતે વકીલ મેથ્યુઝ પર ભડક્યા
નવી દિલ્હી : દેશના ૫૧માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાએ સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ખન્નાને શપથ ગ્રહણ કરાવ્યા હતા. પ્રથમ દિવસે જ મુખ્ય ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટની કામગીરી સંભાળી લીધી હતી. એક કેસની સુનાવણી દરમિયાન જ્યારે વરીષ્ઠ વકીલ મૈથ્યૂઝ નેદુમ્પારાએ કહ્યું કે સુપ્રીમ માત્ર અડાણી અને અંબાણીના મામલાઓ માટે નહીં આમ લોકો માટે પણ હોવી જોઇએ. જવાબમાં સીજેઆઇ ખન્નાએ કહ્યું હતું કે અમે તમારુ લેક્ચર સાંભળવા નથી આવ્યા.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમારની બેંચ સમક્ષ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) અને દેવા વસૂલી ટ્રિબ્યૂનલના મામલાની સુનાવણી થઇ હતી. દરમિયાન વરીષ્ઠ વકીલ મેથ્યૂઝે કહ્યું હતું કે આમ વકીલોને પણ પુરતી તક મળવી જોઇએ સુપ્રીમમાં માત્ર અદાણી, અંબાણી જેવા ઉદ્યોગપતિઓના મામલાઓનો નિર્ણય નિશ્ચિત અને વિશેષ રીતે ના થવો જોઇએ. જવાબમાં દેશના નવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે તમારો મામલો તો ન્યાયાધીશ બેલા ત્રિવેદીના નિર્ણય સાથે સંકળાયેલો છે.
દરમિયાન વકીલ મેથ્યૂઝે સીજેઆઇને ટોકતા કહ્યું હતું કે પરંતુ ગરીબ એમએસએમઇને કેવી રીતે અલગ કરી શકાય, દેશમાં કરોડો એમએસએમઇ છે, અને અહીંયા સુપ્રીમમાં માત્ર અંબાણી અદાણીના મામલાઓની સુનાવણી થઇ રહી છે. બાદમાં મુખ્ય ન્યાયાધીશ ખન્ના વકીલ પર ભડક્યા હતા અને કહ્યું હતું કે અમે અહીંયા તમારુ લેક્ચર સાંભળવા નથી આવ્યા, જો કોઇ તકલીફ હોય તો ડીઆરટીમાં જાવ. અગાઉ વકીલ મેથ્યૂઝ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ સાથે પણ તકરાર કરી ચુક્યા છે. દેશના ૫૦માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ડી. વાય. ચંદ્રચૂડ રવિવારે નિવૃત્ત થયા હતા, તેથી સોમવારે આ પદ પર જસ્ટિસ સંજીવ ખન્નાએ શપથ ગ્રહણ કર્યા હતા. ખન્ના આગામી વર્ષે ૧૩મી મે સુધી આ પદ સંભાળશે.