કલમ 370ની સમીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, પુનઃવિચારણાની તમામ અરજીઓ ફગાવી
Supreme Court on Article 370: સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરનારી અરજીઓને ફગાવી દીધી છે. જેમાં તેમણે બંધારણની કલમ 370ને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. જમ્મૂ અને કાશ્મીરને કલમ 370નો વિશેષ દરજ્જો મળેલો હતો.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને એએસ બોપન્નાની પાંચ જજોની પીઠે સમીક્ષા અરજીઓને એવું કહેતા ફગાવી દીધી કે 11 ડિસેમ્પર 2023ના રોજ અપાયેલા નિર્ણયમાં કોઈ ખામી નથી.
સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો હતો આ ચુકાદો
જણાવી દઈએ કે, બંધારણમાં જમ્મૂ કાશ્મીરથી સંબંધિત કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. પોતાના ચુકાદા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાને યથાવત રાખ્યો હતો અને બંધારણની કલમ 370 હટાવવાને યોગ્ય માની હતી. આ પહેલા કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મૂ કાશ્મીરથી સંબંધિત બંધારણની કલમ 370ને રદ કરી દીધી હતી. આ નિર્ણય વિરૂદ્ધ 23 અરજીઓ દાખલ થઈ હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુનાવણી ચાલી અને સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બર 2023એ સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
5 ઓગસ્ટ, 2019એ સંસદમાં રજૂ થયું હતું બિલ
કેન્દ્ર સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ વિધેયકને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જેમાં જમ્મૂ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વહેંચ્યું હતું. રાજ્યસભામાં તે દિવસે આને પસાર કરી દેવાયું. 6 ઓગસ્ટ 2019ના રોજ આ બિલને લોકસભામાં પસાર કરાયું. 9 ઓગસ્ટ 2019ના રોજ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ, ત્યારબાદ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટી ગયો હતો.