ચૂંટણી બોન્ડથી કોણે કઈ પાર્ટીને કેટલા રૂપિયા આપ્યા તે જાહેર કરો : સુપ્રીમ કોર્ટનો આદેશ
SBI એ જણાવવું પડશે કે 5 વર્ષમાં કોણે કોણે ચૂંટણી બોન્ડ ખરીદયાં, સુપ્રીમકોર્ટે આપ્યો નિર્દેશ
ચૂંટણી બોન્ડના 'સુપ્રીમ' ચુકાદામાં SBI, ચૂંટણીપંચ, રાજકીય પક્ષો, કોર્પોરેટ, બધાને આવરી લેવાયા
Supreme Court Verdict on Electoral Bond | સુપ્રીમકોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતાં તેની કાયદેસરતાને રદ કરી દીધી. ટોચની કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યું કે ચૂંટણી બોન્ડની ગોપનીયતા કલમ 19(1)(એ) હેઠળ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
ચીફ જસ્ટિસ શું બોલ્યાં?
ભારતીય સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી બોન્ડ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે બ્લેક મની પર અંકુશ લગાવવાની એકમાત્ર રીત નથી. સુપ્રીમકોર્ટે બેન્કોને ચૂંટણી બોન્ડનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરવા આદેશ કર્યો હતો.
SBIને ખાસ નિર્દેશ
સુપ્રીમકોર્ટે ભારતીય સ્ટેટ બેન્ક (SBI) ને ખાસ નિર્દેશ આપ્યો કે 5 વર્ષ પહેલાં ચૂંટણી બોન્ડની યોજના શરૂ થયા બાદથી તેણે કઇ પાર્ટીને કેટલાં બોન્ડ જારી કર્યા છે? તેની તમામ માહિતી ઉપલબ્ધ કરાવે. એસબીઆઈએ ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને પ્રાપ્ત ડોનેશનની વિગતો ત્રણ સપ્તાહમાં ચૂંટણીપંચને આપવાની રહેશે. ટોચની ચૂંટણીપંચને પણ કહ્યું કે તે આ ચૂંટણી બોન્ડને લગતી વિગતો તેની વેબસાઇટ પર અપલોડ કરે.
5 જજોની બંધારણીય બેન્ચનો ચુકાદો
ઉલ્લેખનીય છે કે સીજેઆઈના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં સુનાવણી કરી ચુકાદો સંભળાવ્યો છે. અગાઉ 2 નવેમ્બરે આ મામલે બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમકોર્ટની આ બંધારણીય બેન્ચમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ ઉપરાંત, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઇ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા.
રોકડ તરીકે વટાવાયેલા બોન્ડની પણ વિગતો જાહેર કરવી પડશે
એસબીઆઈએ રાજકીય પક્ષો દ્વારા રોકડ તરીકે વટાવાયેલા ચૂંટણી બોન્ડની વિગતો પણ જાહેર કરવી પડશે. આ સાથે રોકડ તરીકે ન વટાવાયેલા ચૂંટણી બોન્ડની રકમ ખરીદારોના ખાતામાં રિફંડ કરવી પડશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડના માધ્યમથી કોર્પોરેટ દાનદાતાઓ વિશે પણ જાણકારીનો ખુલાસો કરવામાં આવે કેમ કે કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતું ચૂંટણી ડોનેશન સંપૂર્ણપણે લાભ ના બદલામાં લાભની સંભાવના પર આધારિત હોય છે.