જમ્મુ-કાશ્મીરને ફરી વિશેષ દરજ્જો મળશે કે નહીં? આજે કલમ 370 પર સુપ્રીમકોર્ટ આપશે મહત્ત્વપૂર્ણ ચુકાદો
16 દિવસ સુનાવણી બાદ ચુકાદો સંભળાવાશે
સીજેઆઈના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ કરી રહી છે સુનાવણી
Supream Court article 370 verdict| જમ્મુ-કાશ્મીર માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આશરે 16 દિવસ સુધી સુનાવણી હાથ ધર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા છીનવી લેનારા કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ સંસદમાં પસાર કરવામાં આવેલા નિર્ણયની બંધારણીય માન્યતા શું છે તે સ્પષ્ટ કરવામાં આવશે.
બંધારણીય બેંચ આજે ચુકાદો આપશે
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર 11 ડિસેમ્બર માટે અપલોડ કરાયેલા કેસોની યાદીમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેસનો પણ ઉલ્લેખ છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો આપશે.
2 ઓગસ્ટના રોજ દલીલો પૂર્ણ થઈ હતી
બેન્ચના અન્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં 16 દિવસની સુનાવણી બાદ 2 ઓગસ્ટે દલીલો પૂર્ણ થઈ હતી અને કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ લોકોએ અરજી કરી હતી
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર. વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી. ગિરી અને અન્ય દ્વારા દલીલો રજૂ કરાઈ હતી. જ્યારે અરજદારો વતી કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ અને દુષ્યંત દવેએ દલીલો કરી હતી. અરજીકર્તાઓમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના સુપ્રીમો પણ સામેલ છે.
બંધારણીય બેંચે આ પ્રશ્નો પૂછ્યા હતા
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું હતું કે શું ચૂંટાયેલી વિધાનસભા વિના જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 અને 35A હટાવવાનું બંધારણીય છે? એ પણ પૂછવામાં આવ્યું કે બંધારણમાં જોગવાઈ (કલમ 370) જેને અસ્થાયી તરીકે વર્ણવવામાં આવી હતી, તેને 1957માં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના કાર્યકાળના અંતે કાયમી કેવી રીતે કરવામાં આવી?