ચૂંટણી બોન્ડ : ભાજપને ફક્ત 10 કંપનીએ આપ્યા 2123 કરોડ, જાણો ટીએમસી-કોંગ્રેસનો હિસાબ

એસબીઆઈએ ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી ચૂંટણી પંચને આપી દીધી

ચૂંટણી પંચે પણ આ બધી જ માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરી દીધી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
ચૂંટણી બોન્ડ : ભાજપને ફક્ત 10 કંપનીએ આપ્યા 2123 કરોડ, જાણો ટીએમસી-કોંગ્રેસનો હિસાબ 1 - image


Electoral bond: સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી આખરે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (State bank of India)એ યુનિક નંબર સહિત ચૂંટણી બોન્ડ સંબંધિત બધી જ માહિતી ચૂંટણી પંચને આપી દીધી છે. ચૂંટણી પંચે પણ આ બધી જ માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરી દીધી છે.  આ જાહેર કરાયેલા ચૂંટણી બોન્ડના ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ટોચના 10 દાતાઓએ કુલ રૂપિયા 2,123 કરોડનું દાન આપ્યું છે, જ્યારે તૃણમૂલના ટોચના 10 દાતાઓએ રૂપિયા 1,198 કરોડ અને કોંગ્રેસના ટોચના 10 દાતાઓએ રૂપિયા 615 કરોડનું દાન આપ્યું છે. 

સુપ્રીમ કોર્ટને SBIને બોન્ડ સંબંધિત તમામ માહિતી શેર કરવા કીધું હતું

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ 21 માર્ચે જાહેરાત કરી હતી કે તેણે ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા (ECI) સાથે યુનિક આલ્ફા-ન્યુમેરિક આઈડી સહિત ચૂંટણી બોન્ડ સ્કીમ વિશેની તમામ વિગતો શેર કરી છે. આ કાર્યવાહી આ સપ્તાહની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા SBIને આપવામાં આવેલા આદેશના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં બેન્કને ચૂંટણી પંચ સાથે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી બિનશરતી શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ચૂંટણી બોન્ડમાં ખાસ યુનિક નંબર હોય છે

દરેક ચૂંટણી બોન્ડમાં એક ખાસ યુનિક નંબર હોય છે. આ યુનિક નંબર જ ચૂંટણી બોન્ડ ખરીદનાર અને તેને રિડીમ પાર્ટીને જોડે છે. આ વર્ષે 14 માર્ચે બે લિસ્ટમાં ખરીદદારો અને પાર્ટીઓના નામ જાહેરમાં સાર્વજનિક કરવામાં આવ્યા હતા. આ ત્રીજી વખત છે જ્યારે SBIએ ચૂંટણી બોન્ડનો ડેટા સાર્વજનિક કર્યો છે, અને અંતે બોન્ડ નંબર પણ જાહેર કર્યા છે, જેનાથી દાતાઓ અને દાન મેળવનારી પાર્ટીઓને મેચ કરવાનું સરળ બને છે.

આ કંપનીઓએ ભાજપને દાન આપ્યું

ભાજપને દાન આપનાર દાતાઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો સમાવેશ થાય છે, જેમણે રૂપિયા 584 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડે રૂપિયા 375 કરોડનું દાન આપ્યું છે. આ પછી વેદાંત લિમિટેડે 230 કરોડ રૂપિયા, ભારતી એરટેલે 197 કરોડ રૂપિયા અને મદનલાલ લિમિટેડે 176 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તો બીજી તરફ તૃણમૂલને ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસે સૌથી વધુ 692 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, ત્યારબાદ હલ્દિયા એનર્જી લિમિટેડે 362 કરોડ રૂપિયા, ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે 90 કરોડ રૂપિયા, એમકેજે એન્ટરપ્રાઇઝ અને એવરેજ ટ્રેડિંગે 46-46 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

કોંગ્રેસને આટલા કરોડનું દાન આપ્યું

જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો એમકેજે એન્ટરપ્રાઇઝ લિમિટેડે સૌથી વધુ રૂપિયા 138 કરોડનું દાન આપ્યું હતું અને વેદાંત લિમિટેડે રૂપિયા 125 કરોડનું દાન આપ્યું હતું. આ પછી વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપનીએ 110 કરોડ રૂપિયા, યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે 64 કરોડ રૂપિયા અને એવિસ ટ્રેડિંગ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડે 53 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ વચ્ચે SBIએ કહ્યું હતું કે આ નવા ડેટા જાહેર થયા બાદ તેની પાસે ચૂંટણી બોન્ડ સ્કીમ સંબંધિત અન્ય કોઈ માહિતી નથી.

ચૂંટણી બોન્ડ : ભાજપને ફક્ત 10 કંપનીએ આપ્યા 2123 કરોડ, જાણો ટીએમસી-કોંગ્રેસનો હિસાબ 2 - image


Google NewsGoogle News