SBI બેન્કના કર્મચારીઓ 26-27 સપ્ટેમ્બરે હડતાળ ઉતરશે
- રાષ્ટ્રીય કક્ષાએ કામકાજ બંધ રહેવાની શક્યતા
નવી દિલ્હી, તા.17 સપ્ટેમ્બર 2019, મંગળવાર
દસ સાર્વજનિક બેંકોને વિલીન કરીને ચાર મોટ્ટી બેંકો બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી પોતાના કામકાજના બોજામા વધારો થશે એવી દલીલ સાથે SBIના અધિકારીઓ 26 અને 27 સપ્ટેંબરે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના છે એટલે આ બેંકના ખાતેદારોએ સમયસર પોતાની કામગીરી પતાવી લેવી જોઇએ એવી ચેતવણી બેંકના વહીવટકર્તાઓએ આપી હતી.
SBIએ શેરબજારને મોકલેલી સૂચનામાં જણાવ્યું હતું કે બેંકે કામકાજ ચાલુ રાખવાની પૂરતી વ્યવસ્થા કરી છે આમ છતાં અધિકારીઓની હડતાળના પગલે કામકાજને પ્રતિકૂળ અસર થવાની શક્યતા નકારી કઢાતી નથી.
આ હડતાળમાં જોડાવાની હાકલ ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિયેશન, ઇન્ડિયન નેશનલ બેંક ઑફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઑફ બેંક ઓફિસર્સ તરફથી કરવામાં આવી હતી.
SBIએ શેરબજારને જણાવ્યું હતું કે 26મી ગુરૂવાર અને 27મીએ શુક્રવાર છે એટલે હડતાળ પડે તો તમને ચાર દિવસ સુધી ફટકો પડશે માટે તમારા જે વ્યવહાર એ પહેલાં કરી શકાતા હોય તે પહેલાં કરી લેવાની સલાહ છે. ચાર દિવસ સુધી ચેક ક્લીયર નહીં થાય તેમ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પીઓ પણ રિલિઝ નહીઁ થાય. પૈસા ભરવાની તેમજ કાઢવાની બંને કામગીરીને પ્રતિકૂળ અસર થવાની પૂરી શક્યતા છે માટે સાવચેત રહેજો.