કાલથી બદલાઈ રહ્યો છે SBI ATMમાંથી કેશ વિડ્રોઅલનો નિયમ, જાણો
નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી કેશ વિડ્રોઅલના નિયમમાં ફેરફાર થયો છે. જો કોઈ SBI એટીએમમાંથી 10 હજાર કે તેનાથી વધારેની રોકડ ઉપાડવામાં આવશે તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે અને તે બાદ જ રોકડ ઉપડી શકશે. SBIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, એટીએમ ફ્રોડથી ગ્રાહકોને બચાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં 24 કલાક માટે ઓટીપી આધારિત સેવાની શરૂઆત કરી છે. નવો નિયમ 18 સપ્ટેમ્બરથી લાગૂ થઈ રહ્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ નિયમ માત્ર એસબીઆઈ ડેબિટ કાર્ડ હોલ્ડર્સ પર લાગૂ થશે.
બેંકે પોતાના ગ્રાહકોને તે પણ કહ્યું કે, જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરી એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ તો મોબાઈલ સાથે લઈને જરૂર જજો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. ઓટીપી બાદ જ 10 હજાર કે તેથી વધારે રોકડ ઉપડી શકશે.
જો કોઈ ગ્રાહક પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નથી તો તેઓ પોતાના એસબીઆઈ ડેબિટ કાર્ડમાંથી એટીએમ પર 10 હજારથી વધારે રોકડ ઉપાડી શકશે નહી. એવામાં તેને જલ્દી જ પોતાનો અપડેટેડ નંબર રજિસ્ટર્ડ કરાવી લેવો જોઈએ.
ઉલ્લેખનિય છે કે, સ્ટેટ બેંકે આ નિયમ પહેલાથી જ લાગૂ કરેલો હતો. 18 સપ્ટેમ્બરથી તેને 24 કલાક માટે લાગૂ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નિયમ પ્રમાણે ઓટીપી પ્રક્રિયા રાત્રે 8 થી સવારે 8 વાગ્યા વચ્ચે લાગૂ હતી. તેમાં અમાઉન્ટ એન્ટર કરવા પર ઓટીપી સ્ક્રિન ખુલી જાય છે અને ત્યાં રજિસ્ટ્રર મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલો ઓટીપી દાખલ કરવાનો હોય છે આ પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.