'10 કિ.મી. દૂર ધડાકાનો અવાજ સંભળાયો, બારી તોડી બસથી બહાર નીકળ્યાં..' જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીઓની આપવીતી
Jaipur Fire: રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકો દાઝી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત અને 35 લોકો ઘાયલ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે.
જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીએ કહી આપવીતી
દુર્ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, 'અમે રાજસમંદથી જયપુર આવી રહ્યા હતા. અચાનક અમારી બસની એકદમ નજીક બ્લાસ્ટ થયો. અમારી ચારે બાજુ આગ લાગી ગઈ હતી. તેમજ બસની અંદર પણ આગ લાગી ગઈ હતી. જ્યારે અમે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને ખબર પડી કે મેઇન ગેટ લોક છે. જેથી અમે બારી તોડીને બહાર આવ્યા. અમારી સાથે 8 થી 10 લોકો બહાર આવ્યા. તેમ છતાં કેટલાક લોકો અંદર જ રહી ગયા હતા તો કેટલાક લોકો દાઝી પણ ગયા હતા.
10 કિલોમીટર સુધી સંભળાયો હતો વિસ્ફોટનો અવાજ
વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો, સ્થાનિક રહેવાસીઓ ડરી ગયા કે શું થયું છે. આગ એટલી ભયંકર હતી કે 300 મીટરની ત્રિજ્યામાં ઘણા વાહનો તેની લપેટમાં આવી ગયા હતા અને સંપૂર્ણપણે બળી ગયા હતા. ઘણી ઇંધણની ટાંકીઓ ફાટવાથી વારંવાર વિસ્ફોટ થયા. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાતી હતી.
ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ કેમિકલ લગભગ 500 મીટર સુધી રોડ પર ફેલાઈ ગયું હતું. જેના કારણે અનેક વાહનોમાં આગ લાગી હતી. કેમિકલના કારણે એક ફેક્ટરી પણ બળી ગઈ હતી.
જયપુર - અજમેર હાઇવે પર ઘટી દુર્ઘટના
રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર સવારે લગભગ 6 વાગે આ આગની ઘટના બની હતી. આગને કાબુમાં લેવા માટે 20-22 ફાયર ટેન્કરો તૈનાત કરાયા હતા, પરંતુ અઢી કલાક બાદ પણ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી શકી ન હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર બન્યો હશે. તેમજ ઘણા વાહનો આ આગની અડફેટે આવી ગયા. તબાહીનું આ દ્રશ્ય હાઇવેના લગભગ એક કિલોમીટર સુધી ફેલાયું હતું.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ પોતે જયપુરની એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની સ્થિતિ વિશે ખબર લીધી હતી.