પગાર હતો 40 હજાર, કૌભાંડ 500 કરોડ રૂપિયાનું! સૌરભ શર્મા કેસમાં નવો ઘટસ્ફોટ
Saurabh Sharma Case: મધ્યપ્રદેશના ભોપાલના RTO વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા કેસમાં પારિવારિક કારોબાર અને ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સૌરભ શર્મા અને તેમના પરિવારના બાકીના સભ્યો ઘણી સંપત્તિ અને કાળા નાણાના માલિક છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોપર્ટીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયું છે. જેમાં ઈન્દ્ર સાગર ડેમને લગતા ટેન્ડરોથી લઈને અનેક અલગ-અલગ વ્યવસાયો સામેલ છે.
સૌરભ શર્માના પરિવારના નામે આટલી સંપત્તિ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સૌરભ શર્માના પરિવારનો બિઝનેસ લગભગ 500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે, જેમાં સૌરભની પત્ની દિવ્યા, સસરા ચેતન, માતા ઉમા અને પુત્ર અભિરલના નામ સામે આવ્યા છે. આ તમામ લોકોના નામે ઘણી મિલકતો નોંધાયેલી છે. સૌરભ શર્માના પરિવારની કાળા નાણાની સંપત્તિ માત્ર મધ્યપ્રદેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ છે. તપાસ એજન્સીને વિદેશમાં રોકાણના પુરાવા મળ્યા છે.
સૌરભ શર્માના તમામ પરિવારજનોના નામે કાળું નાણું
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સૌરભ શર્માની પત્ની, સસરા, માતા અને પુત્ર તમામના નામે કાળું નાણું છે. ઈન્દિરા સાગર ડેમનું ટેન્ડર પત્ની દિવ્યાના નામે છે. આરટીઓ વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ પાસે ઈન્દોરમાં ત્રણ મકાનો છે અને પત્નીના નામે ગ્વાલિયરમાં 18 એકર જમીન છે, તો પુત્ર અભિરલના નામે લાખો રૂપિયાની એફડી છે.
માતા ઉમાના નામે સુખી સેવાનિયામાં વેરહાઉસ છે, ચેતન કોલારમાં એક સ્કૂલ, મયુર વિહાર, અરેરા કોલોની- 11 નંબર, પ્રધાન મંડપમમાં 4 બંગલા છે. હોશંગાબાદ રોડ, ઔબેદુલ્લાગંજ રોડ પર 3 પેટ્રોલ પંપ, શાહપુરામાં એક સ્કૂલ, ઈન્દોરના વિજયનગર પાસે એક હોટલ, E-8માં ભાગીદાર શરદ જયસ્વાલના નામે 3.30 કરોડ રૂપિયાનું મકાન, તેમજ શાહપુરામાં ફજિટો નામની રેસ્ટોરન્ટ પણ છે.
વિદેશમાં રોકાણના પુરાવા મળ્યા
તપાસ એજન્સીને સૌરભ શર્માના વિદેશમાં રોકાણના પુરાવા પણ મળ્યા છે. જેમાં દુબઈમાં એક આલીશાન વિલાની માહિતી મળી છે. 150 કરોડની કિંમતનો વિલા એમઆર ગ્રુપના બિલ્ડર પાસેથી ખરીદવામાં આવ્યો છે.
18 ડિસેમ્બરે લોકાયુક્તના દરોડા
18 ડિસેમ્બરે લોકાયુક્તે ભોપાલમાં દરોડા પાડ્યા હતા. 19 ડિસેમ્બરના રોજ મેંદોરી ગામના કેટલાક લોકોએ પોલીસને જાણ કરી કે ખાલી પ્લોટ પર એક બિનવારસી કાર પાર્ક કરવામાં આવી છે. જેમાં 6 થી 7 થેલીઓ રાખવામાં આવી છે. રોકડની શંકાના કારણે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ IT ટીમે કાચ તોડી અંદરથી બેગ બહાર કાઢી હતી, જેમાં 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
સૌરભના ઘરેથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા
મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે લોકાયુક્ત પોલીસના આ દરોડામાં 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ પહેલાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી આશરે રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી હતી તેમજ જંગલમાંથી એક બિનવારસી હાલતમાં મળેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી આવી હતી. જે કાર ચંદન ગૌરના નામે રજિસ્ટર્ડ છે. ચંદન સૌરભ શર્માનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે.