સાઉદી અરેબિયાએ ભારતીયો માટે કરી મોટી જાહેરાત, હજ પ્રવાસીઓ સહિત આ લોકોને થશે ફાયદો
સાઉદી અરેબિયાએ ભારતીય હજ યાત્રીઓ માટે વેપાર, પ્રવાસ અને ઉમરા વિઝા નિયમો હળવા કર્યા
ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા અને હજ કોટા પણ વધારવા ચર્ચા
રિયાધ, તા.06 નવેમ્બર-2023, બુધવાર
સાઉદી અરેબિયા (Saudi Arabia)ના હજ અને ઉમરાહ (Hajj And Umrah) મંત્રી તૌફીક બિન ફૌજાન અલ-રબિયા (Tawfiq Al Rabiah)એ આજે હજ માટે જતા ભારતીય નાગિરોક માટે મોટી જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાએ ભારતીય નાગરિકો માટે વિઝા સંબંધિત નવી સુવિધા શરૂ કરી છે, જેમાં 48 કલાકની અંદર વિઝા જારી કરવા તેમજ 4 દિવસ (96 કલાક)નો સ્ટૉપઓવર વિઝા સામેલ છે. આ નિર્ણયથી હવે ભારતીયોએ હજ કરવા તેમજ ઉમરાહ માટે સાઉદી અરેબિયાના વિઝા પ્રાપ્ત કરવામાં લાંબી રાહ નહીં જોવી પડે. સાઉદી અરેબિયાએ વિઝાના નિયમો હળવા કર્યા બાદ હવે ભારતીય નાગરિકો વેપાર, પ્રવાસ અને ઉમરા વિઝા પર સાઉદીમાં ઉમરાહ કરી શકશે.
સાઉદી અરેબિયાના મંત્રીની જાહેરાત
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન સાથે મીડિયાને સંબોધન કરતી વખતે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી તૌફીક બિન ફૌજાન અલ-રબિયાએ કહ્યું કે, મધ્ય-પૂર્વનો પ્રવાસ કરનારા ભારતીયો હવે 96 કલાકના સ્ટૉપઓવર વિઝા પ્રાપ્ત કરી શકશે, જેમાં તેમને ઉમરાહ કરવા અને સાઉદી અરેબિયાના કોઈપણ શહેરમાં જવાની મંજુરી મળી જશે. તેમણે કહ્યું કે, ઉમરાહ વિઝા 90 દિવસમાં કાયદેસર છે અને ભારતીય નાગરિકો આ વિઝા હેઠળ અમારા દેશના કોઈપણ શહેરમાં રહેવા અને પ્રવાસ કરી શકશે.
Pleased to meet Saudi Arabia’s Minister of Hajj & Umrah Tawfiq bin Fawzan AlRabiah.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 5, 2023
Discussed the smooth facilitation of the Hajj pilgrimage by Indian nationals. Also shared views on further deepening our ties. pic.twitter.com/7VgpLQCqh7
2023માં 12 લાખથી વધુ ભારતીયો ઉમરાહ માટે અરેબિયા ગયા
અલ-રબિયાએ વધુમાં જણાવ્યું કે, ઉમરાહ માટે સાઉદી અરેબિયા આવનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. 2023માં 12 લાખથી વધુ ભારતીયો ઉમરાહ માટે સાઉદી અરેબિયાના વિઝા મેળવ્યા હતા, જેમાં ગત વર્ષ કરતા 75 ટકાનો વધારો થયો છે.
ભારત-અરેબિયા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા પર ચર્ચા
સાઉદી મંત્રીએ કહ્યું કે, ભારતથી મક્કા અને મદીના જનારા લોકોની સંખ્યામાં વધારો થતાં સાઉદી અરેબિયા ભારત સાથે ડાયરેક્ટ ફ્લાઈટની સંખ્યા વધારવા પણ ચર્ચા કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 2023ના હજ કોટા હેઠળ લગભગ 1.75 લાખ ભારતીયોએ હજ યાત્રા માટે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો. ભારતીય હજ સમિતિની ઉપાધ્યક્ષ મુનાવરી બેગમે કહ્યું કે, સાઉદી મંત્રીના પ્રવાસના એજન્ડામાં હજ કોટાને 1,75,025થી વધારીને 2,00,000 કરવા પર પણ ચર્ચા સામેલ છે.