સત્યેન્દ્ર જૈનને જેલમાં મળી રહેલી મસાજ સહિતની અન્ય સુવિધાઓ સામે EDએ કોર્ટમાં ફરિયાદ કરી
- મંત્રી સત્યેન્દ્ર જૈન હાલમાં તિહાડ જેલમાં બંધ છે
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2022, રવિવાર
દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન જેલની અંદર એશનું જીવન જીવી રહ્યા છે. તેમને જેલમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. તેઓ ઘણી વખત મસાજ કરતા પણ નજર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ અંગે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, મંત્રી જૈનની પત્ની વારંવાર તેમને મળવા આવે છે અને તેમને ઘરનું ભોજન પણ આપવામાં આવે છે. ઈડીએ પોતાના સોગંદનામા સાથે આ સંબંધમાં કેટલાક ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે. આમાંના કેટલાક ફોટા મંત્રીના મસાજ કરાવતા પણ છે. મંત્રી સત્યેન્દ્ર જૈન હાલમાં તિહાડ જેલમાં બંધ છે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં EDએ જણાવ્યું છે કે, તિહાડ જેલમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને માત્ર હેડ મસાજ જ નથી કરાવવામાં આવી રહી પરંતુ તેમને સમયાંતરે ફુટ મસાજ અને બેક મસાજ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે. વિડિયો ફૂટેજ રજૂ કરીને EDએ જેલ અધિક્ષક પર સત્યેન્દ્ર જૈનને જેલ મેન્યુઅલનું ઉલ્લંઘન કરીને મુલાકાતમાં રાહત આપવાનો પણ આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, તેમની પત્ની લગભગ દરરોજ અહીં મંત્રીને મળવા આવે છે અને તેમને ઘરનું ભોજન પણ પીરસવામાં આવે છે. EDએ સીસીટીવી ફૂટેજના આધારે દાવો કર્યો છે કે આ જ કેસના અન્ય આરોપી અંકુશ જૈન અને વૈભવ જૈન સાથે સત્યેન્દ્ર જૈન પણ કલાકો સુધી મુલાકાત કરે છે. તમને જણાવી દઈએ કે, આ સમયે અંકુશ અને વૈભવ પણ તિહાડ જેલમાં બંધ છે.
તિહાડ પ્રશાસને ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. EDએ જણાવ્યું કે, સત્યેન્દ્ર જૈનના સેલ અને જે વોર્ડમાં તેમને રાખવામાં આવ્યા છે તેના સીસીટીવી ફૂટેજની માંગ કરવામાં આવી છે. જેલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે સત્યેન્દ્ર જૈનના સેલમાં ન તો કોઈ બહારથી આવ્યું હતું અને ન તો તેને ઘરનું ભોજન આપવામાં આવ્યું હતું.
જેલ પ્રશાસને કહ્યું કે EDએ અન્ય કેદીઓ સાથે કથિત રીતે વાતચીત કરવાનો આરોપ લગાવ્યો છે પરંતુ જે કેદીઓ વિશે કહેવામાં આવી રહ્યું છે તેઓ એ જ વોર્ડમાં રહે છે. તેથી તેમના માટે એકબીજા સાથે વાત કરવી મુશ્કેલ નથી. તિહાડ પ્રશાસને જેલની અંદર કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ હોવાની વાતને પણ નકારી કાઢી છે.