વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિઃ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરીને અમર થયા દેશના 'લોખંડી પુરૂષ' સરદાર પટેલ
- તેમણે દેશમાં અસ્પૃશ્યતા, જાતિગત ભેદભાવ, દારૂના સેવન અને મહિલા ઉત્પીડન વિરૂદ્ધ વ્યાપકરૂપે જાગૃતિ ફેલાવી હતી
નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2021, બુધવાર
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ એવા નેતાઓમાંથી એક હતા જેમને રાષ્ટ્રની નિસ્વાર્થ સેવા માટે યાદ કરવામાં આવે છે. 31મી ઓક્ટોબર, 1875ના રોજ જન્મેલા પટેલે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા ઉપરાંત ભારત નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વ્યવસાયેલ વકીલ એવા પટેલ મહાત્મા ગાંધીના પ્રબળ સમર્થક હતા. 1918માં ખેડા સત્યાગ્રહ દરમિયાન તેમના ગાંધીજી સાથેના સંબંધો વધુ પ્રગાઢ બન્યા હતા. 1932માં બંને યરવડા જેલ ગયા અને 16 મહિના સુધી ત્યાં સાથે જ રહ્યા.
સ્વતંત્રતા સંગ્રામ તેજ બન્યો ત્યાર બાદ પટેલે પોતાની વકીલાતની પ્રેક્ટિસ છોડી દીધી હતી તથા રાજકીય અને રચનાત્મક કાર્યો માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેમણે ગામડાઓની મુલાકાત લેવાનું, સભાઓને સંબોધિત કરવાનું, વિદેશી કપડાંની દુકાનો અને દારૂની દુકાનોએ ધરણાં ધરવાનું શરૂ કર્યું હતું. દેશની આઝાદી બાદ તેઓ નાયબ વડાપ્રધાન અને દેશના પહેલા સૂચના પ્રસારણ મંત્રી તથા ગૃહમંત્રી બન્યા હતા. દેશની આઝાદી બાદ તેમણે અલગ અલગ રજવાડાઓનો ભારતમાં વિલય કર્યો હતો અને તેઓ ભારત નિર્માણના સૂત્રધાર ગણાય છે.
સરદાર પટેલની પુણ્યતિથિ પર વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.
તેમણે દેશમાં અસ્પૃશ્યતા, જાતિગત ભેદભાવ, દારૂના સેવન અને મહિલા ઉત્પીડન વિરૂદ્ધ વ્યાપકરૂપે જાગૃતિ ફેલાવી હતી. મહાત્મા ગાંધી જેલમાં રહ્યા તે દરમિયાન 1923માં પટેલે નાગપુર ખાતે સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તે આંદોલન બ્રિટિશ સરકારે ભારતીય ધ્વજ લહેરાવવા પર પ્રતિબંધ મુક્યો તેના વિરૂદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ 20મી શતાબ્દીના ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક હતા. તેમના વારસાનું સન્માન કરવા માટે 2018માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોખંડી પુરૂષ પટેલની પ્રતિમા ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થિત છે.