સારા તેન્ડુલકરે ડિપ ફેક એકાઉન્ટ અંગે ઇન્સ્ટાગ્રામમાં લખી સ્ટોરી, ઉપલબ્ધ ટેકનિકનો થઇ રહયો છે ખોટો ઉપયોગ
એકસ પરના ફેક એકાઉન્ટને ઝડપથી સસ્પેંડ કરાશે તેવી આશા
કેટલીક ડીપફેક તસ્વીર જોઇ છે જે સચ્ચાઇથી જોજન દૂર છે.
નવી દિલ્હી,૨૨ નવેમ્બર,૨૦૨૩,બુધવાર
લિટલ માસ્ટર બ્લાસ્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેદૂંલકરની પુત્રી સારા તેંદુલકરે પોતાના ડિપ ફેક એકાઉન્ટ અંગે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લખી છે. જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા બધા માટે એક સારી જગ્યા છે. જયાં સૌ પોતાના સુખ દૂખને વહેંચી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઉપલબ્ધ ટેકનિકનો ખોટો ઉપયોગ થઇ રહયો છે.
ઇન્ટરનેટ પરની માહિતી સચ્ચાઇ અને હકિકતથી બિલકૂલ જુદી છે. સારાના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કેટલીક ડીપફેક તસ્વીર જોઇ છે જે સચ્ચાઇથી જોજન દૂર છે. એકસ પરના એકાઉન્ટ ખોટો સંદેશો આપવાના હેતુંથી શેર કરવામાં આવ્યા છે જે મારા એકસ એકાઉન્ટ નથી. આશા રાખું છું કે એકસ પરના ફેક એકાઉન્ટને ઝડપથી સસ્પેંડ કરવામાં આવશે. સારાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એમ પણ જણાવ્યું હતું કે મનોરંજન કયારેય સચ્ચાઇની કિંમત પર થવું જોઇએ નહી. વિશ્વાસ અને વાસ્તવિકતા પર હોય તેવા પ્રસારને જ પ્રોત્સાહિત કરવું જોઇએ.