'અંગ્રેજો જતા રહ્યા અને આમને છોડી ગયા...', CM યોગીના 'બટેંગે તો કટેંગે' પર અખિલેશના પ્રહાર
UP Assembly By-election: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ગરમ છે. નેતાઓ એકબીજા પર ક્યારેક શાબ્દિક તો ક્યારેક પોસ્ટર થકી પ્રહાર કરી રહ્યાં છે. આ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બંટેંગે તો કટેંગે' વાળા નિવેદન પર ફરી પ્રતિક્રિયા આપી છે. અખિલેશે કહ્યું કે, 'અંગ્રેજ જતાં રહ્યાં અને આમને મૂકતા ગયાં. ભારતીય સમાજ આવા નારાને સમર્થન નહીં આપે.'
યુપીમાં 'પોસ્ટર પ્રહાર'
હકીકતમાં, થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી યોગીએ પોતાના ભાષણમાં 'બટેંગે તો કટેંગે'નો ઉલ્લેખ કરી હિન્દુ સમાજને એકજૂટ રહેવાનો સંદેશ આપ્યો હતો. તેમના આ નિવેદન બાદ લખનૌમાં ઘણી જગ્યાએ ભાજપ નેતાએ આ નિવેદનના પોસ્ટર પણ લગાવ્યા. જવાબમાં સપા કાર્યકર્તાઓ તરફથી 'ના બટેંગે ના કટેંગે, મઠાધીશ સત્તા સે હટેંગે...'ના પોસ્ટર લગાવવામાં આવ્યાં. આ પહેલાં પણ 'PDA જોડેગી ઔર જીતેગી' જેવા નારા લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ 'બાંટને વાલે ભી તુમ ઓર કાટને વાલે ભી...', મુખ્યમંત્રી યોગીના નિવેદન પર ખડગેનો પલટવાર
અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા
જોકે, હવે આ નિવેદનબાજી અને 'પોસ્ટર પ્રહાર' દરમિયાન સપા સુપ્રીમોની અન્ય એક પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં અખિલેશ યાદવે કહ્યું કે, 'જનતા આ નારાને ક્યારેય સમર્થન નહીં આપે. ભાજપ તો ડિવાઇડ એન્ડ રૂલમાં વિશ્વાસ રાખે છે. અંગ્રેજ જતાં રહ્યાં અને આમને મૂકતા ગયાં. ભારતીય સમાજ આવા નારાનો સાથ નહીં આપે.'
આ પણ વાંચોઃ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ બુલડોઝરવાળી થશે! આતંકીઓને પાઠ ભણાવવા ઉપરાજ્યપાલે કમર કસી
શું બોલ્યા હતાં મુખ્યમંત્રી યોગી?
થોડા દિવસ પહેલાં ઝારખંડમાં ચૂંટણી જનસભામાં બોલતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, 'પોતાની તાકાતની અનુભૂતિ કરાવો, જાતિઓમાં વિભાજિત નથી થવાનું. જાતિના નામે અમુક લોકો તમારામાં ભાગલા પાડશે, કોંગ્રેસ અને વિપક્ષ આ જ કામ કરે છે. આ લોકો બાંગ્લાદેશી ઘૂસણખોર, રોહિંગ્યાને બોલાવી રહ્યાં છે. એક દિવસ આ લોકો તમારા ઘરમાં ઘંટડી અને શંખ પણ નહીં વાગવા દે. તેથી એક રહો અને નેક રહો. દેશનો ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ આપણે વિભાજિત થયાં, નિર્મમતાથી કપાયા છીએ.'
આ પણ વાંચોઃ ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી
મુખ્યમંત્રી યોગીએ આગળ કહ્યું કે, 2017 બાદ ઉત્તર પ્રદેશમાં જે બુલડોઝર ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદથી અમુક જેલમાં છે અને અમુકનું રામ નામ સત્ય થઈ ગયું છે. ઉત્તર પ્રદેશથી માફિયાઓનો સફાયો થઈ ગયો છે. જેમ ગધેડાના માથાથી શિંગડા ગાયબ થઈ જાય તેવી રીતે.