લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશના થશે ભાગલા? કેન્દ્રીય મંત્રીએ પશ્ચિમ UPને અલગ રાજ્ય બનાવવાની કરી માંગ
ઉત્તર પ્રદેશમાં જાટ ના અગ્રણી નેતા સંજીવ બાલ્યાએ (Sanjeev Balyan) અલગ રાજ્યની માંગ ઉઠાવી
UP Politics : આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીના પડઘા અત્યારથી પાડવાની શરૂઆત થઇ ગઈ છે. બધી રાજકીય પાર્ટીઓ તેના પ્રચારના કામમાં લાગેલી જોવા મળે છે. એવામાં હાલ ભારત માટે રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વનો વિસ્તાર એટલે કે ઉત્તરપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ યુપીમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનની લીડની અસર હવે ભાજપના નેતાઓના ભાષણોમાં જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ ના અગ્રણી નેતા સંજીવ બાલ્યાએ (Sanjeev Balyan) અલગ રાજ્યની માંગ ઉઠાવી છે.
પશ્ચિમ યુપીને અલગ રાજ્ય કરવાની માગ
પશ્ચિમ યુપીને લઈ નિવેદન આપતા સંજીવ બાલ્યા જાટ સમુદાયના સંમેલનમાં આજે કહ્યું કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશને એક અલગ રાજ્યનો દરરજો મળવો જોઈએ, મેરઠ આ નવા રાજ્યની રાજધાની બનવું જોઈએ. સંજીવ બાલિયાનના નિવેદનના ઘણા રાજકીય અર્થ જોવા મળી રહ્યા છે.
જાટ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે મેરઠમાં સુભારતી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આંતરરાષ્ટ્રીય જાટ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાટ સંસદમાં દેશ-વિદેશના જાટ નેતાઓ અને જાટ સમુદાયના આગેવાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાંથી જાટ સમુદાયના મોટા નેતાઓએ ભાગ લીધો હતો. સંજીવ બાલ્યાએ એવું કહ્યું કે, કોઈ પણ રાજ્ય માત્ર એક જાતિના આધારે પ્રગતિ કરી શકતું નથી. તમામ જ્ઞાતિ સમુદાયોને સાથે લેવા પડશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સમયાંતરે પશ્ચિમ યુપીને અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે. જો કે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા જ અલગ રાજ્યની માંગ ઉભી થઈ છે.