ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી: જાણો શું છે મામલો
Gujarat University Defamation Case: દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને આજે (સોમવાર) સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસને રદ કરવા માગ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર ટિપ્પણી કરી હતી.
પીએમ મોદી ડિગ્રી વિવાદ
ગુજરાત હાઈકોર્ટે સંજય સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી કોર્ટ દ્વારા પાઠવેલા સમન્સને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. સંજય સિંહ અને કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ નીચલી કોર્ટ દ્વારા સંજય સિંહને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે.
નિવેદનમાં માનહાનિ જેવું કંઈ નથીઃ વકીલ
સંજય સિંહ તરફથી કોર્ટમાં હાજર થયેલી વકીલ રેબેકા જ્હોને કહ્યું કે, 'સંજય સિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની માનહાનિ જેવું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે.' આના પર કોર્ટે કહ્યું કે, 'જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે.' એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.