સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલીવાલ પણ 'આપ' ના ઉમેદવાર
સંજય સિંહને રાજ્યસભાની ચૂંટણી લડવા કોર્ટે આપી મંજૂરી, પોલીસ સમક્ષ નોમિનેશન ફોર્મ પર સહી કરવા આપી પરવાનગી
AAP Leader Sanjay Singh Rajya Sabha Election : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ ફરી એકવાર સંજય સિંહને રાજ્યસભાના સભ્ય બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી બાજુ સ્વાતિ માલીવાલને આપ પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી લડવાની મંજૂરી મળી ગઈ છે.
27 જાન્યુઆરીએ કાર્યકાળ પૂરો થશે
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સભ્ય તરીકે સંજય સિંહનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ ખતમ થવાનો છે. અગાઉ તેમણે દિલ્હીની કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ફાઈલ કરવા મંજૂરી માગી હતી. તેના પર કોર્ટે કહ્યું કે તિહાડ જેલના અધિકારીઓ સામે સંજય સિંહ નોમિનેશન સંબંધિત દસ્તાવેજો પર સહી કરી શકશે.
19 જાન્યુઆરીએ રાજ્યસભાની ચૂંટણી
ચૂંટણીપંચે દિલ્હીની 3 અને સિક્કિમની 1 રાજ્યસભા સીટ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકો પર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાશે. રાજ્યસભા ચૂંટણીની નોમિનેશનની પ્રક્રિયા 2 જાન્યુઆરીથી શરૂ થઇ ચૂકી છે જે 9 જાન્યુઆરી સુધી ચાલશે.
આપ પાર્ટીએ આપી મંજૂરી
આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આપ તરફથી પહેલીવાર સ્વાતિ માલીવાલને પણ રાજ્યસભા સભ્ય બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે સંજય સિંહ અને એન.ડી.ગુપ્તાને ફરીવાર રાજ્યસભા સભ્ય બનાવાશે.