સંજય સિંહ પર નવી આફત, CM પ્રમોદ સાવંતની પત્નીએ 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો
Sanjay Singh Notice By Goa Court : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ નવી મુશ્કેલીમાં ફસાયા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્નીએ ‘કેશ ફોર જોબ્સ’ પર નિવેદન મુદ્દે ગોવાની કોર્ટમાં અરજી દાખલ કરી 100 કરોડ રૂપિયાના માનહાનિનો કેસ દાખલ કર્યો છે, જે મુદ્દે કોર્ટે આપના સાંસદને નોટિસ ફટકારી છે. સાવંતની પત્નીએ ‘કેશ ફોર જોબ્સ’ કૌભાંડમાં કથિત રીતે નામ આપવા બદલ સંજય સિંહ પર માનહાનિનો કેસ કર્યો છે.
સંજય સિંહે સાવંતની પત્ની પર કર્યા હતા ગંભીર આક્ષેપ
ગોવાની કોર્ટે સંજય સિંહને 10 જાન્યુઆરી-2025 સુધીમાં નોટિસનો જવાબ આપવા કહ્યું છે. સંજય સિંહે તાજેતરમાં જ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંત પર કથિત રીતે આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ સુલક્ષણા સાવંતે ઉત્તર ગોવાના બિચોલિમની સિવિલ કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.
કોર્ટ આપ સાંસદને માફી પત્ર પ્રકાશિત કરવા સૂચના આપે : સુલક્ષણાની માંગ
બિચોલિમ સિવિલ કોર્ટે મંગળવારે કેસની સુનાવણી હાથ ધરી સંજય સિંહને નોટિસ ફટકારી છે. સુલક્ષણાએ કોર્ટેને વિનંતી કરી છે કે, ‘કોર્ટ તેમને માનહાનિકારક નિવેદન આપવા બદલ માફી પત્ર પ્રકાશિત કરવા સૂચના આપે. આ માફીપત્રમાં સ્પષ્ટ હોવું જોઈએ કે, તેમને કરેલા નિવેદનો ખોટા છે અને તથ્યો પર આધારિત નથી. સંજય સિંહે નિવેદન માટે બિનશરતી માફી માંગવી જોઈએ.’
અનેક ઉમેદવારોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી
અરજદારે કોર્ટને એવી પણ વિનંતી કરી છે કે, ‘સંજય સિંહને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને બદનામ કરતા જાહેર નિવેદનો આપવાનું બંધ કરવા આદેશ આપે.’ વાસ્તવમાં ગોવામાં અનેક ઉમેદવારોએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સરકારી નોકરી આપવાનું વચન કરનારા લોકોને લાખો રૂપિયા આપવા મજબૂર થયા હતા. આ ફરિયાદ પર પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, રાજ્યની પોલીસ કથિત કેશ ફોર જોબ કૌભાંડની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : નહેરુ-એડવિનાના પત્રોનું ભૂત ફરી ધૂણ્યું, જાણો આઝાદીના 78 વર્ષ પછીયે કેમ છુપાવી રખાયા છે