સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક તપાસના પુરાવાથી સંજય રોય દોષિત ઠર્યો
- કોલકાતા બળાત્કાર-હત્યા કેસ
- ઘટના સ્થળેથી સંજયનું બ્લુટૂથ મળ્યું, તેના જીન્સ-જૂતા પર પીડિતાનું લોહી પણ મળ્યું
કોલકાતા : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સંજય રોયને દોષિત ઠેરવવા સીબીઆઈએ અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, જેના આધારે સેશન્સ કોર્ટે શનિવારે ચૂકાદો આપ્યો હતો.
આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્વપૂર્ણ પુરાવો પૂરો પાડયો હતો. ૮ અને ૯ ઑગસ્ટની રાતે અંદાજે ૪.૦૩ કલાકે આરજી કર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં આરોપી સંજય રાય અંદર ગયો અને ૪.૩૨ કલાકે બહાર નીકળ્યો હતો. આરોપીએ માત્ર ૨૯ મિનિટમાં મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી દીધી. સંજયના મોબાઈલનું લોકેશન અને સીસીટીવી ફૂટેજથી આ પુરવાર થયું હતું. એટલું જ નહીં આરોપીનું બ્લુટૂથ ઘટનાસ્થળ પર મળ્યું હતું, જેનું એમએસી આઈડી તેના મોબાઈલના બ્લુટૂથ હિસ્ટ્રીના એમએસી આઈડી સાથે મેચ થઈ ગયું. બ્લુટૂથ પણ ઓટોમેટિક તેના મોબાઈલ સાથે કનેક્ટ થઈ ગયું. પીડિતાના શરીર પર આરોપીના મોંના સલાઈવા મળી આવ્યા હતા.
વધુમાં સંજય રોયના જિન્સ અને જૂતા પર પીડિતાનું લોહી મળી આવ્યું હતું. સંજયનું ડીએનએ સ્થળ પરથી મળેલા પુરાવા સાથે મેચ થતું હતું. સંજયના શરીર પર ઈજાના પાંચ નિશાન મળ્યા હતા, જે ૨૪થી ૪૮ કલાક પહેલાંના હતા. આ સિવાય ફૂટપ્રિન્ટ મેપિંગ અને ઘટના સ્થળના ૩ડી મેપિંગ, ફોરેન્સિક તપાસથી એ સ્પષ્ટ થઈ ગયું કે તે રાતે ત્યાં બીજી કોઈ વ્યક્તિ હાજર નહોતી. આ કેસમાં ૧૨૮ લોકોના નિવેદન નોંધાયા હતા તે પણ કેસ માટે મહત્વપૂર્ણ સાબિત થયા.