શું BJP-NCPના આ દિગ્ગજ નેતાઓ એકનાથ શિંદેને CM બનાવવા નહોતા ઈચ્છતા? સંજય રાઉતનો મોટો ઘટસ્ફોટ
Maharashtra Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ મુદ્દે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રાઉતે દાવો કર્યો છે કે, વર્તમાન સરકારમાં સામેલ ભાજપ-એનસીપીના દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સહિતના ઘણા નેતાઓ 2019માં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા નહોતા ઈચ્છતા.
અજિત-પાટિલ-તટકરે શિંદે સાથે કામ કરવા નહોતા માંગતા : રાઉત
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નેતૃત્વ હેઠળની શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મીડિયા સમક્ષ એવો પણ દાવો કર્યો છે કે, ‘અજિત પવાર (Ajit Pawar), દિલીપ વલસે પાટિલ (Dilip Walse Patil) અને સુનીલ તટકરે (Sunil Tatkare) જેવા એનસીપી નેતાઓએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ શિંદે જેવા જુનિયર અને બિનઅનુભવી વ્યક્તિ સાથે રહી કામ નહીં કરે.’
મુખ્યમંત્રી તરીકે શિંદે પસંદ નહીં
તેમણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ અને એનસીપીએ કહ્યું હતું કે, અમારી પાસે ઘણા વરિષ્ઠ નેતાઓ છે. ગઠબંધનનો નેતા એવો હોવો જોઈએ, જે અનુભવી, વરિષ્ઠ અને સૌને સાથે લઈને ચાલે. બીજીતરફ શિવસેનાએ સરકાર બનાવવા માટે મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા. જોકે આ ત્રણે પક્ષો એક થાય તે પહેલા જ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), ગિરીશ મહાજન (Girish Mahajan) અને સુધીર મુનગંટીવાર (Sudhir Mungantiwar) જેવા ભાજપ નેતાઓએ કહ્યું હતું કે, તેઓ એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે પસંદ નહીં કરે.’ ઉલ્લેખનીય છે કે, અજિત પવાર અને ફડણવીસ હાલ મુખ્યમંત્રી શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે.
ઠાકરે શિંદેને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા
સંજય રાઉતે એવો પણ દાવો કર્યો કે, ‘જ્યારે મહા વિકાસ અઘાડીમાં શિવસેનાને મુખ્યમંત્રી બનાવવાની તક મળી, ત્યારે ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માંગતા હતા. ત્યારે ભાજપે કહ્યું હતું કે, તેઓ શિંદેને ગઠબંધનના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છતી નહતી. શિંદેને ધારાસભ્ય દળના નેતા બનાવાયા હતા અને તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બની શક્યા હોત, પરંતુ ત્યારે કોઈપણ તેમને મુખ્યમંત્રી બનાવવામાં માંગતુ ન હતું.’
2019માં શિવસેનાએ ભાજપ સાથે સંબંધો તોડ્યા હતા
મહારાષ્ટ્રમાં વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી બાદ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (Shiv Sena)એ સહયોગી ભાજપ (BJP) સાથે સંબંધો તોડી નાખ્યા હતા. તે વખતે ઠાકરેએ સરકાર બનાવવા માટે NCP અને કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2022માં એકનાથ શિંદે (Eknath Shinde) બળવો કરતા શિવસેનાના બે ભાગલા પડી ગયા, પછી શિંદેએ શિવસેનાના કેટલાક ધારાસભ્યોના સહારે ભાજપ સાથે હાથ મિલાવી સરકાર બનાવી મુખ્યમંત્રી બન્યા.