'અમિત શાહ મસ્તીમાં બોલી ગયા, માફી માગી લે એમાં શું...', આંબેડકર વિવાદમાં દિગ્ગજનો ટોણો
Sanjay Raut: રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. વિપક્ષના સાંસદોએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાના ભાષણમાં ડૉ. બી. આર. આંબેડકરનું અપમાન કર્યું છે. ત્યારબાદ સતત રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગુરુવારે શિવસેના(યુબીટી)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ભાજપ પાસે કોઈ કામ નથી બચ્યું, ખાલી હાથ બેઠી છે. અમિત શાહ મોટા નેતા છે, ગૃહમાં મસ્તીમાં બોલી રહ્યા હતા.
તેઓએ કહ્યું કે, જો અમિત શાહની ભૂલ થઈ છે અને જીભ લપસી ગઈ તો માફી માંગી લેવી જોઈએ. જો માફી માંગી લે તો શું થઈ જશે? સંજય રાઉતે કહ્યું, આંબેડકર તો ભગવાન છે અમારા માટે. આંબેડકરે વંચિતોને શિખર સુધી પહોંચાડ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ કર્યા સવાલ
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. શાહે દેશની જનતાની માફી માંગવી જોઈએ. જ્યારે અમિત શાહ બાબા સાહેબ વિશે બોલી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે, જેટલીવાર તમે આંબેડકરનું નામ લો છો એટલીવાર ભગવાનનું નામ લેતા તો 7 વાર સ્વર્ગ જતાં. એટલે શું બાબા સાહેબનું નામ લેવું ગુનો છે? તે સમયે મેં હાથ ઊંચો કર્યો અને તેમને બોલતા રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને તક આપવામાં ન આવી. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ પર ચર્ચા ચાલી રહી હતી, તેથી અમે ચૂપ રહ્યા.
ભાજપના લોકોને અહંકાર આવી ગયો છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક્સ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'જુઓ કેવી રીતે અમિત શાહ સંસદમાં બાબા સાહેબ આંબેડરકરનો મજાક ઉડાવી રહ્યા છે. આ ભાજપના લોકોને એટલો અહંકાર આવી ગયો છે કે, કોઈને કંઈ નથી સમજતા. હા, અમિત શાહજી. બાબા સાહેબ આ દેશના દરેક બાળક માટે ભગવાનથી ઓછા નથી. મૃત્યુ બાદ સ્વર્ગની તો ખબર નથી, પરંતુ બાબા સાહેબનું બંધારણ ન હોત તો તમે લોકો તો દબાયેલાં, કચડાયેલાં, ગરીબ અને દલીતોને આ ધરતી પર જીવવા જ ન દેતાં. બાબા સાહેબનું અપમાન, નહીં સહન કરે હિન્દુસ્તાન. જય ભીમ.'
આ પણ વાંચોઃ આંબેડકર વિવાદમાં કેજરીવાલે પણ ઝંપલાવ્યું, નીતિશ-નાયડુને પત્ર લખીને અભિપ્રાય માંગ્યો
અમિત શાહે આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે (18 ડિસેમ્બર) કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકું. લોકસભા અને રાજ્યસભામાં બંધારણના 75 વર્ષ પૂરા થવા પર ચર્ચાનું આયોજન કર્યું હતું. જેમાં 75 વર્ષની દેશની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધીઓની ચર્ચા થઈ. આ સ્વાભાવિક છે કે, સંસદમાં પક્ષ અને વિપક્ષ હોય તો લોકોનો પોત પોતાનો દૃષ્ટિકોણ હોય છે. પરંતુ, જ્યારે સંસદમાં ચર્ચા થાય છે તો તેમાં વાત તથ્ય અને સત્યની સાથે થવી જોઈએ. પરંતુ, જે પ્રકારે કાલથી કોંગ્રેસ તથ્યને તોડી-મરોડીને રજૂ કરે છે, તેની હું ટીકા કરું છું.
ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે, આવું એટલે થઈ રહ્યું છે કારણકે, ભાજપના વક્તાઓએ જણાવ્યું કે, કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું. કટોકટી લાગુ કરીને કોંગ્રેસે બંધારણને કચડી નાંખ્યું. કોંગ્રેસે ભારતીય સેનાનું અપમાન કર્યું. કોંગ્રેસે ભારતની જમીન આપી દીધી. જ્યારે સંસદમાં આ વાત સાબિત થઈ ગઈ તો કોંગ્રેસે જૂઠાણું ફેલાવવાનું શરુ કરી દીધું. કોંગ્રેસ પાર્ટી આંબેડકર વિરોધી છે. કોંગ્રેસ પાર્ટી બંધારણ વિરોધી છે. કોંગ્રેસે સેનાના શહીદોનું અપમાન કર્યું. કોંગ્રેસ સાવરકર વિરોધી છે.