ભગવાન રામ આખા દેશ-દુનિયાના', રામલલ્લાના મફત દર્શનના અમિત શાહના વાયદા પર સંજય રાઉતનો કટાક્ષ
તો તમે મધ્ય પ્રદેશના લોકોને રામ લલ્લાના દર્શન કરતા અટકાવશો ?.... : સંજય રાઉત
sanjay raut slams amit shah : મધ્યપ્રદેશમાં વિધાનસભાની 2023 (MP Election 2023)ની ચૂંટણી માટેનું મતદાન ત્રણ દિવસ બાદ એટલે કે 17મી નવેમ્બરના રોજ થનાર છે ત્યારે રાજકીય પક્ષો સતત પ્રચાર કરી રહ્યા છે જ્યાં કોંગ્રેસે ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે તો બીજી તરફ ભાજપ રામ મંદિરને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.
સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું
મધ્યપ્રદેશમાં ચૂંટણીને લઈને નિવેદનબાજી પણ તેજ થઈ ગઈ છે અને રાજકીય પક્ષો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એમપીમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજ્ય સરકારના ખર્ચે રાજ્યની જનતાને ભગવાન રામ લલ્લાના દર્શન કરાવવામાં આવશે. આ મામલે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભગવાન રામ લલ્લા આખા દેશ અને દુનિયાના છે, શું તેનો અર્થ એ છે કે જો તમે મધ્ય પ્રદેશમાં હારી જાઓ છો તો તમે મધ્ય પ્રદેશના લોકોને રામ લલ્લાના દર્શન કરતા એટલે અટકાવશો કારણ કે તેઓએ ભાજપને મત આપ્યો ન હતો. આ ઉપરાંત તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આપણા દેશમાં કેવું રાજકારણ ચાલી રહ્યું છે? ચૂંટણી પંચે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ.
રામ લલ્લાના દર્શનનો ખર્ચ ભાજપ ઉઠાવશે : અમિત શાહ
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે રાઘોગઢમાં એક જનસભાને સંબોધિત કરતા વચન આપ્યું હતું કે જો મધ્ય પ્રદેશમાં તેમની સરકાર બનશે તો ભગવાન રામ લલ્લાના દર્શનનો ખર્ચ ભાજપ ઉઠાવશે. આ ઉપરાંત અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર મંદિરના નિર્માણને રોકવા અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા આપણા તીર્થસ્થળો અને ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે.