ભાજપ શિંદેને ફરી મુખ્યમંત્રી નહીં બનવા દે: મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે MVAના દિગ્ગજનો ટોણો
Sanjay Raut Predictions on Maharastra Elections: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તેમની સાથે બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ રાજભવન હાજર હતા. આ રાજીનામા સાથે, મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે. તેમજ જ્યાં સુધી નવી સરકારની રચના નહિ થાય ત્યાં સુધી રાજ્યપાલે એકનાથ શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું છે.
નવી સરકારની રચના માટે પ્રયાસો તેજ થઈ ગયા છે, આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે સેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે.
દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના: સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે, 'ભાજપને મળેલી બહુમતીને જોતા એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે. જે નૈતિક રીતે યોગ્ય છે.' આ સાથે તેમણે ટોણો પણ માર્યો કે, 'આ લોકો પાર્ટીઓ તોડવામાં એક્સપર્ટ છે. એ પણ શક્ય છે કે આ લોકો એકનાથ શિંદે કે અજિત પવારની પાર્ટી તોડી શકે. આ લોકો પાર્ટીઓ તોડવામાં નિપુણતા ધરાવે છે. તેથી બીજેપીના લોકો એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનવા દે તે શક્ય નથી. આવું થવું મુશ્કેલ છે અને દેવેન્દ્ર ફડણવીસ રેસમાં આગળ છે.'
Maharashtra માં CM પદની જાહેરાત અગાઉ Sanjay Raut એ કહ્યું, Shinde અને Ajit Pawar ની પાર્ટી ગુલામ છે#SanjayRaut #EknathShinde #AjitPawar #Politics #Maharashtra #Gscard #Gujaratsamachar pic.twitter.com/CV7aHOq9WI
— Gujarat Samachar (@gujratsamachar) November 26, 2024
એકનાથ શિંદે જૂથનું નિવેદન પણ સામે આવ્યું છે
આ દરમિયાન એકનાથ શિંદે જૂથનું નિવેદન પણ આવ્યું છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે કદાચ સાથે બેસીને મામલો ઉકેલાઈ જશે. શિંદે જૂથે કહ્યું છે કે સીએમ પદને લઈને ભાજપ સાથે કોઈ નારાજગી નથી. આવા સમાચાર ખોટા છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે કહ્યું કે, 'એકનાથ શિંદેએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે.'