‘આ લોકો ચૂંટણી જીતવા...’ બુરખા કાર્યક્રમ મુદ્દે શિંદે અને મોદીનો ઉલ્લેખ કરી બોલ્યા સંજય રાઉત
Maharashtra Burkha Program Issue : મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાઅઘાડી બંને એકબીજા પર પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય યામિની જાધવે મુસ્લિમ મહિલાઓને બુરખા વહેંચીને વિરોધ પક્ષોને મોટી તક આપી છે. જાધવે મુસ્લિમ મહિલાઓને બુરખાનું વિતરણ કરતાની સાથે જ રાજ્યમાં નવી રાજકીય ચર્ચા છેડાઈ ગઈ છે. શિંદે જૂથના ધારાસભ્યના બુરખા વિતરણ કાર્યક્રમને લઈને શિવસેનાના નેતા સંજય રાઉત સતત પ્રહારો કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોલકાતા કેસ: ‘CM મમતા વિરુદ્ધ કાર્યવાહી કરાશે’ પશ્ચિમ બંગાળના રાજ્યપાલની મોટી જાહેરાત
શિંદે સેનાએ બુરખો પહેરીને ચૂંટણી લડવી પડશે
શુક્રવારે સંજય રાઉતે કહ્યું હતું કે, 'શિંદે સેનાએ બુરખો પહેરીને ચૂંટણી લડવી પડશે, નહીં તો લોકો તેમના ચહેરા જોઈને ચંપલ મારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુરખા વિરુદ્ધ યુદ્ધ શરુ કર્યું છે અને હવે તેમના ગઠબંધનના લોકો બુરખાઓ વહેંચી રહ્યા છે. આ લોકો પાખંડી છે. ચૂંટણી જીતવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.'
કોંગ્રેસે કહ્યું- આ લોકો દંભી છે
આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે બુરખા વહેંચવા પાછળના ઈરાદા પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, 'તેમના (ભાજપ) ગઠબંધનના લોકો મસ્જિદોમાં ઘૂસીને લોકોને મારવાની વાત કરે છે. તેઓ કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે. ટ્રેનોમાં મુસ્લિમોને માર મારવામાં આવે છે, દરગાહ પર હુમલા કરવામાં આવે છે. આ લોકો બુરખા વહેંચીને શું બતાવવા માગે છે? આ લોકો પાખંડી છે.'
આ પણ વાંચો : ભારતની આઝાદી અને સ્વતંત્ર્ય સેનાનીઓનો જે સ્થળ સાથે છે અદભૂત સંબંધ, તે સ્થળનું નામ બદલાયું
બુરખાનું વિતરણ થતાં જ અરાજકતા ફેલાઈ ગઈ હતી
તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદે જૂથના ધારાસભ્યએ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના વિધાનસભા ક્ષેત્રની મુસ્લિમ મહિલાઓ માટે 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય બુરખા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે વિવિધ સ્થળોએ હોર્ડિંગ્સ અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથના ધારાસભ્યના બુરખા વિતરણ કાર્યક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેના કારણે શિવસેના વિપક્ષના પ્રહારો હેઠળ આવી હતી.
અમે બુરખા વિતરણના કાર્યક્રમને સમર્થન આપી શકીએ નહીં
ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલારે પણ આ મુદ્દે કહ્યું હતું કે 'દરેકને તેમના મતવિસ્તારમાં શું વહેંચવું તે નક્કી કરવાનો અધિકાર છે, પરંતુ ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતું. અમે બુરખા વિતરણના કાર્યક્રમને સમર્થન આપી શકીએ નહીં.'