UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો
Image:File Photo |
FIR Registered Against Sanjay Raut In Maharashtra : શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાએ કેસ નોંધાવ્યો
UBT મુખપત્ર સામનામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક લેખ લખવામાં આવ્યો હતો. ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે આ લેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ભૂતડાનો આરોપ છે કે આ લેખમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સંજય રાઉતની કોંગ્રેસને ચેતવણી
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે રવિવારના રોજ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે જો ગાંધી પરિવારના નજીકના લોકો પીએમ મોદીને અનુકૂળ રાજનીતિ કરવાની ચાલુ રાખશે તો દેશની સૌથી જૂની પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમ રોકથોકમાં રાઉતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) અંગે ચિંતા વ્યક્ત કરવા હાકલ કરી હતી. સંજય રાઉતે દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં જયારે મતપત્રની ગણતરી થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ 199 સીટો પર આગળ હતી પરંતુ EVMથી ગણતરી શરુ થતા જ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી.
મોદીનો જાદુ તેલંગાણામાં કામ ન કરી શક્યો - શિવસેના (UBT) અધ્યક્ષ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથનો ઉલ્લેખ કરતા સંજય રાઉતે કહ્યું, 'જો ગાંધી પરિવારની આસપાસના લોકો મોદી અને શાહ માટે અનુકૂળ રાજનીતિ કરશે, તો 2024માં વધુ જોખમ રહેશે.' કમલનાથે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી દરમિયાન કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું કે મોદીનો જાદુ ત્રણ રાજ્યોમાં કામ કરી ગયો પરંતુ તેલંગાણામાં તે કામ ન કરી શક્યો. આ ભ્રમ છે કે કોંગ્રેસ મોદીને હરાવી શકતું નથી.
કોંગ્રેસે અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવ્યું છે - સંજય રાઉત
સંજય રાઉતે વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોંગ્રેસે અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવ્યું છે. રાઉતે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ અનુક્રમે અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમ છતાં કોંગ્રેસ બંને રાજ્યોમાં હારી ગઈ હતી.