કોલકાતામાં મહિલા ડોક્ટર પર રેપ-મર્ડર માટે સંજય રાય દોષિત, સોમવારે સજા
- આરજી કર હોસ્પિટલના કેસમાં સેલ્ડાહ સેશન્સ કોર્ટનો ચૂકાદો
- સંજય રોય સામે સીબીઆઈએ આરોપ પૂરવાર કર્યા, 10 થી 25 વર્ષની કેદ અથવા આજીવન કે ફાંસીની સજા થવી જોઈએ: કોર્ટ
- રૂદ્રાક્ષની માળા પહેરું છું, ગૂનો કર્યો હોત તો માળા તૂટી ગઈ હોત, મને ફસાવાયો છે, આઈપીએસ અધિકારી સંડોવાયેલા છે: સંજય રાય
- ન્યાયાધીશે તેમના પરના વિશ્વાસનું સન્માન કર્યું : પીડિતાના પિતા, કોઈપણ કોર્ટના આદેશને પડકારીશું નહીં : સંજય રાયનો પરિવાર
કોલકાતા : કોલકાતાની સેલ્ડાહ સેશન્સ કોર્ટે સરકારી આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં ૩૧ વર્ષીય ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને શનિવારે દોષિત જાહેર કર્યો છે. ન્યાયાધીશ અનિર્બાન દાસ હવે સંજય રોયને સોમવારે સજાની જાહેરાત કરશે. આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની આ ઘટનાએ દેશવાસીઓને દિલ્હીની નિર્ભયાની યાદ અપાવી દીધી હતી. સંજય રોયને સજા અપાવવા માટે સમગ્ર દેશમાં મેડિકલના વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી હડતાળ પર ઉતરી ગયા હતા.
કોલકાતાની સરકારી આરજી કર મેડિકલ કોલેજમાં ૯ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની દુર્ઘટનાના ૧૬૨ દિવસ પછી આ ચૂકાદો આવ્યો છે. આ કેસની ટ્રાયલ ૧૨ નવેમ્બર ૨૦૨૪માં ઈન કેમેરા શરૂ થઈ હતી. ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવ્યાના બીજા જ દિવસે ૧૦ ઑગસ્ટે કોલકાતા પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. પાછળથી કલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ તેના આરોપનામામાં કોલકાતા પોલીસના સિવિલ વોલિન્ટિયર સંજય રોયને સરકારી હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર જધન્ય બળાત્કાર અને હત્યાનો મુખ્ય આરોપી અને એકમાત્ર શકમંદ ગણાવ્યો હતો.
ન્યાયાધીશ અનિર્બાન દાસે સંજય રોયને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૬૪ ( બળાત્કાર માટે સજા), ૬૬ (મૃત્યુનું કારણ બનવા માટે સજા) અને ૧૦૩ (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યો છે. ન્યાયાધીશ અનિર્બાન દાસે કહ્યું હતું કે, ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના ગૂનામાં સંજય રોયને દોષિત ઠેરવવામાં આવે છે. મહિલા ડૉક્ટર હોસ્પિટલના સેમિનાર રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે સંજય રોયે સવારે ૪.૦૦ કલાકે તેના પર હુમલો કરીને બળાત્કાર કર્યો હતો. સંજય રોય સામેના આરોપો સીબીઆઈએ પુરવાર કર્યા છે. આ કેસમાં પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનોના આધારે સંજય રાયને દોષિત ઠેરવવામાં આવે છે.
કોર્ટે કહ્યું કે ફોરેન્સિક રિપોર્ટ પરથી જાણી શકાય છે કે સંજય રોય આ ગૂનામાં સંડોવાયેલ હતો. તેનો ડીએનએ પણ ઘટનાસ્થળ પરથી મળી આવ્યો હતો. તેણે જે રીતે પીડિતાની હત્યા કરી છે તે જોતાં તેને આજીવન કેદ અથવા ફાંસીની સજા થઈ શકે છે. તેને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ હેઠળ ૧૦ વર્ષની કેદ અથવા કલમ ૬૬ હેઠળ ૨૫ વર્ષની જેલ, આજીવન કેદ અથવા ફાંસીની સજા થઈ શકે છે.
જોકે, પોતાનો બચાવ કરતા સંજય રોય જજ સામે કરગરવા લાગ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન સંજય રોય સતત એમ જ કહેતો રહ્યો કે તેને ફસાવવામાં આવ્યો છે. સાચો ગૂનેગાર બહાર ફરી રહ્યો છે.
આ ગૂનામાં એક આઈપીએસ અધિકારી સંડોવાયેલ છે. તેણે રુદ્રાક્ષની માળા પહેરી રાખી છે. તેણે ગૂનો આચર્યો હોત તો માળા તૂટી ગઈ હોત.
કોર્ટના ચૂકાદા બાદ સંજય રોયને આકરી સુરક્ષા હેઠળ કોર્ટ રૂમથી પ્રેસીડેન્સી સુધાર ગૃહ લઈ જવાયો હતો. કોર્ટનો ચૂકાદો આવ્યા પછી પીડિતાના પિતા ભાવુક થઈ ગયા હતા. તેમણે સેલડોહ કોર્ટના અધિક જિલ્લા અને સેશન્સ ન્યાયાધીશ અનિર્બાન દાસને કહ્યું કે તેમના પર જે વિશ્વાસ હતો તેનું તેમણે સન્માન કર્યું છે.
બીજીબાજુ સંજય રોયના પરિવારે શનિવારે જણાવ્યું હતું કે, કોઈપણ કોર્ટના ચૂકાદાને પડકારવાની પરિવારની કોઈ યોજના નથી. સેલ્ડાહ કોર્ટથી દૂર ભવાનીપોર વિસ્તારમાં મોંઢા પર દુપટ્ટો ઢાંકેલી હાલતમાં સંજય રોયની બહેને કહ્યું હતું કે, તેઓ કોર્ટ રૂમ ગયા નથી. આ ઘટના પછી પરિવાર ભાંગી પડયો છે. અમને અમારા હાલ પર છોડી દો. તેણે કોઈ ગૂનો કર્યો હોય તો તેને યોગ્ય સજા મળવી જોઈએ. હું મારા સાસરિયામાં રહું છું. વર્ષ ૨૦૦૭માં મારા લગ્ન થઈ ગયા પછી મારા પરિવાર સાથે મારો કોઈ સંપર્ક નથી.
દરમિયાન ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ શનિવારે કહ્યું કે, કોર્ટનો ચૂકાદો આવકાર્ય છે. જોકે, આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતાના ભૂતપૂર્વ કમિશનર વિનીત ગોયલને પણ આજે સજા થઈ હોત તો અમને વધારે આનંદ થયો હતો. પીડિતાના માતા-પિતા અને જુનિયર ડૉક્ટરોએ મોટા કાવતરાંના આરોપો મૂક્યા હતા તેના તરફ ધ્યાન આપવાની જરૂર હતી.
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ
સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક તપાસના પુરાવાથી સંજય રોય દોષિત ઠર્યો
- ઘટના સ્થળેથી સંજયનું બ્લુટૂથ મળ્યું, તેના જીન્સ-જૂતા પર પીડિતાનું લોહી પણ મળ્યું
કોલકાતા : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સંજય રોયને દોષિત ઠેરવવા સીબીઆઈએ અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા, જેના આધારે સેશન્સ કોર્ટે શનિવારે ચૂકાદો આપ્યો હતો.
આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજે મહત્વપૂર્ણ પુરાવો પૂરો પાડયો હતો. ૮ અને ૯ ઑગસ્ટની રાતે અંદાજે ૪.૦૩ કલાકે આરજી કર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં આરોપી સંજય રાય અંદર ગયો અને ૪.૩૨ કલાકે બહાર નીકળ્યો હતો. આરોપીએ માત્ર ૨૯ મિનિટમાં મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી દીધી. સંજયના મોબાઈલનું લોકેશન અને સીસીટીવી ફૂટેજથી આ પુરવાર થયું હતું.
એટલું જ નહીં આરોપીનું બ્લુટૂથ ઘટનાસ્થળ પર મળ્યું હતું, જેનું એમએસી આઈડી તેના મોબાઈલના બ્લુટૂથ હિસ્ટ્રીના એમએસી આઈડી સાથે મેચ થઈ ગયું. બ્લુટૂથ પણ ઓટોમેટિક તેના મોબાઈલ સાથે કનેક્ટ થઈ ગયું. પીડિતાના શરીર પર આરોપીના મોંના સલાઈવા મળી આવ્યા હતા.
વધુમાં સંજય રોયના જિન્સ અને જૂતા પર પીડિતાનું લોહી મળી આવ્યું હતું.
સંજયનું ડીએનએ સ્થળ પરથી મળેલા પુરાવા સાથે મેચ થતું હતું. સંજયના શરીર પર ઈજાના પાંચ નિશાન મળ્યા હતા, જે ૨૪થી ૪૮ કલાક પહેલાંના હતા. આ સિવાય ફૂટપ્રિન્ટ મેપિંગ અને ઘટના સ્થળના ૩ડી મેપિંગ, ફોરેન્સિક તપાસથી એ સ્પષ્ટ થઈ ગયું કે તે રાતે ત્યાં બીજી કોઈ વ્યક્તિ હાજર નહોતી. આ કેસમાં ૧૨૮ લોકોના નિવેદન નોંધાયા હતા તે પણ કેસ માટે મહત્વપૂર્ણ સાબિત થયા.