નકલી કચેરી કૌભાંડમાં અમદાવાદથી સંજય પંડ્યાની ધરપકડ, સ્કેમની રકમ 25 કરોડને આંબી ગઇ
પોલીસ સંજય પંડ્યાને પૂછપરછ માટે દાહોદ લાવી અત્યાર સુધીમાં 14ની ધરપકડ, હજી બે વોન્ટેડ છે
અમદાવાદ, 23મી ફેબ્રૂઆરી,શુક્રવાર
ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 18.59 કરોડના નકલી કચેરી કૌભાંડની તપાસ કરનાર એએસપી સિદ્ધાર્થની ટીમે ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પંડ્યાની અમદાવાદથી ગુરૂવારે ધરપકડ કરી હતી અને દાહોદ પૂછપરછ માટે લાવ્યા હતા.
18.59 કરોડનું કૌભાંડુ 25 કરોડને આંબી ગયું
દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બેને વોન્ટેડ બતાવ્યા હતા. જો કે પોલીસ તપાસના અંતે 18.59 કરોડનું નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર આંબી ગયું છે.
પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના ગણતરીના દિવસોમાં જ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ એએસપીની ટીમે ધરપકડ કરી પૂછપરછ માટે દાહોદ લાવી હતી. સંજય પંડયાની ધરપકડ અંગેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી.
સંજય પંડ્યા એક વર્ષ દાહોદ પ્રાયોજના વહીવટદાર હતા
સંજય પંડ્યા 2005-જીએસ કેડરના ડેપ્યુટી કલેકટર વર્ગ-1ના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા. 19-4-2022થી 13-3-2023 સુધી દાહોદમાં પ્રાયોજના કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે હતા. તેમની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી, ત્યારે હાલમાં તેઓ ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
2.78 કરોડના કામો અબુ બકર આણિ મંડળીને ફાળવ્યા
તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કૌભાંડના માસ્ટરમાઈન્ડ અબુબકર સૈયદ સાથે મળી 18.59 કરોડના કૌભાંડમાં 2,78,98 000ના કુલ 18 કામો નકલી કચેરીમાં ફાળવી કૌબાંડમાં સરખી ભાગીદારી નિભાવી હતી. આ પ્રકરણમાં હજી સુધી 11 કરોડ ઉપરાંતની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચાર્જસીટમાં 6 બેંકના જે 200 જેટલા સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણાં બધા ખાતાઓ પોલીસે સીઝ કરી કૌભાંડમાં વપરાયેલી સરકારી ગ્રાન્ટ રિકવર કરવામાં સફળતા મેળવી છે. દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત્ત આઈએએસ અધિકારી બીડી નિનામા, કાર્યપાલક ઈજનેર ઈશ્વરસિંહ કોલચા, તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા, પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ તથા કૌભાંડ આચરનાર ભેજાબાજો સહિત અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે.