'7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં...' યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન
Image Source: Twitter
Sanjay Nishad Controversial Statement: ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સંજય નિષાદ પોતાની પાર્ટીની જનાધિકાર યાત્રા લઈને સુલતાનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ અંગે વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ છે. તેમણે કહ્યું કે, 'હું આમ જ અહીં નથી પહોંચ્યો, પરંતુ 7 પોલીસ અધિકારીના હાથ-ટાંટિયા તોડાવીને, તેને ખાડામાં ફેંકાવીને અહીં પહોંચ્યો છું.'
7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં પહોંચ્યો છું
સંજય નિષાદે કહ્યું કે, 'જો નિષાદ સમાજના કોઈપણ વ્યક્તિને નકલી કેસમાં ફસાવવામાં આવશે તો અમે તે નહીં સહન કરીશું. અમારા સમુદાયના ઘણા લોકોને નકલી કેસોમાં ફસાવવામાં આવ્યા છે.' સંજય નિષાદે પોલીસને કહ્યું કે, 'અમારા છોકરાઓ સામેના તમામ ખોટા કેસ હટાવો, નહીંતર આંદોલન થશે અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હું મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશ, હું અહીં સુધી આમ જ નથી પહોંચ્યો. હું 7 પોલીસ અધિકારીના હાથ-ટાંટિયા તોડાવીને પહોંચ્યો છું.'
વધુ નાટક કરશો તો જેલ ભેગા થઈ જશો
સંજય નિષાદે આગળ કહ્યું કે, 'જો અમારા સમાજના કોઈ પણ વ્યક્તિને ફસાવવામાં આવશે તો અમે તે સહન નહીં કરીશું. પોલીસ અધિકારી તમે વધુ નાટક કરશો તો જેલ ભેગા થઈ જશો અને જામીન પણ નહીં મળશે. જો જરૂર પડશે તો પોલીસ અધિકારી સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.' સંજય નિષાદે સુલ્તાનપુરના ચાંદા વિસ્તારના મદારદીહ ગામમાં આ નિવેદન આપ્યું હતું.
દલિત અને નિષાદ પરિવાર વચ્ચે વિવાદ
તમને જણાવી દઈએ કે, 14 માર્ચે હોળીના દિવસે સુલતાનપુરમાં જ એક ઘટના ઘટી હતી. અહીં રંગો રમવા દરમિયાન એક દલિત અને નિષાદ પરિવાર વચ્ચે વિવાદ થઈ થયો હતો. આ દરમિયાન બંને પરિવારો વચ્ચે મારપીટ થઈ અને દલિત પરિવારના કહેવા પર શાહપુર ગામના પ્રધાન સહિત પાંચ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: નાગપુર હિંસાના માસ્ટરમાઈન્ડની તસવીર જાહેર, ભડકાઉ ભાષણ બાદ જ લોકો ઉશ્કેરાયાનો દાવો
તેમાં પ્રધાન સહિત ચાર લોકોને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા હતા. નિષાદ પરિવારે આ અંગે સંજય નિષાદને ફરિયાદ કરી તો તેમણે સીઓ અને અન્ય અધિકારીઓને નિર્દેશ આપ્યો. સંજય નિષાદનું કહેવું છે કે, જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ નિર્દોષ છે અને તેમને છોડી દેવામાં આવે, નહીંતર તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.