ધીરેન્દ્ર શાસ્ત્રીની યાત્રામાં સંજય દત્ત: કહ્યું- બાબા બાગેશ્વર પર પૂર્ણ વિશ્વાસ, ઉપર જવાનું કહેશે તો જતો રહીશ
Sanjay Dutt Joins Sanatan Hindu Ekta Padyatra: બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની નવ દિવસીય 'સનાતન હિન્દુ એકતા પદયાત્રા' સોમવારે (25મી નલેમ્બર) મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા દેવરી ગામમાં પહોંચી હતી. આ યાત્રામાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ જોડાયા હતા. આ દરમિયાન અભિનેતા સંજય દત્તને જોવા માટે ભારે ભીડ ઊમટી હતી. સંજય દત્ત હાથમાં ભગવો ધ્વજ લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે ચાલતો જોવા મળ્યા હતા.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મારા નાના ભાઈ છે: સંજય દત્ત
સનાતન હિન્દુ એકતા પદયાત્રામાં અભિનેતા સંજય દત્ત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લાંબા અંતર સુધી ચાલ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મારા નાના ભાઈ છે. હું તેમને ગુરુજી કહું છું. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ખુબ સરસ કામ કરી રહ્યા છે. મને તેમના પર ઘણો વિશ્વાસ છે. ભલે ધીરેન્દ્ર શાસ્ત્રી મને કહે કે સંજુ બાબા તમને મારી સાથે ઉપર પણ ચાલો, તો પણ હું તેમની સાથે જઈશ.'
બોલિવૂડ અભિનેતા સંજય દત્તે 'હર હર મહાદેવ' ના નારા લગાવ્યા અને હાથમાં ભગવો ધ્વજ પકડ્યો. તે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે ભગવો ધ્વજ લહેરાવતા લગભગ 2 કિલોમીટર સુધી ચાલ્યા હતા. તેમની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બીજા ઘણાં લોકો પણ આવ્યા હતા. સંજય દત્તે વધુમાં કહ્યું કે, 'ગુરુજી (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) હું હંમેશા તમારી સાથે છું અને હંમેશા તમારી સાથે રહીશ. તમે આજ્ઞા કરો, હું હંમેશા તમારી સાથે રહીશ.' આ સાથે તેમણે 'જય ભોલે નાથ'ના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં CM પદ માટે ખેંચતાણ: ફડણવીસના નામ પર શિંદેએ ફસાવ્યો પેચ
ઉલ્લેખનીય છે કે, 'સનાતન હિન્દુ એકતા પદયાત્રા'માં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. બાગેશ્વર ધામથી શરૂ થયેલી આ યાત્રા હવે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી છે. આ યાત્રામાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ લોકો ભાગ લઈ રહ્યા છે. આ યાત્રા 21મીથી 29મી નવેમ્બર સુધી ચાલશે. ઓરછા ધામમાં પૂર્ણ થશે. રેસલર 'ધ ગ્રેટ ખલી' પણ આ યાત્રામાં સંજય દત્ત સાથે જોડાયો હતો.