14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો શિમલામાં હોબાળાનું કારણ
Image:Twitter
Sanjauli mosque row: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા હિંદુ સંગઠન હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા છે અને મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકો બેરિકેડ તોડીને મસ્જિદ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન લાઠીચાર્જ, પથ્થરમારો અને વોટર કેનનનો ઉપયોગથી તમામ વિસ્તાર યુદ્વના મેદાનમાં પરિવર્તિતિ થઇ ગયો હતો.
14 વર્ષ જૂનો મામલો
રસપ્રદ વાત એ છે કે, સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે અને શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો. ભાજપ જ નહીં પણ કોંગ્રેસના ઘણા નેતાઓ પર બહારના રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ વધારવાનું સમર્થન કરી રહી છે.
શા માટે મામલો વધ્યો?
શિમલાના મલ્યાણા વિસ્તાર કુસુમપતિ વિધાનસભા હેઠળ આવે છે અને કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ સિંહ અહીંના ધારાસભ્ય છે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં માલ્યાણામાં દુકાન ચલાવતા 37 વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હુમલો કરનાર યુવકો મુસ્લિમ છે. તે બહારના રાજ્યનો વતની છે અને શિમલામાં નાનો વેપાર-ઘંધો કરે છે. બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઈ જે બાદ મારામારી થઇ હતી.
આરોપીઓએ વિક્રમ સિંહ પર લાકડીઓ અને રૉડ હુમલો કર્યો હતો. જેના કારણે વિક્રમ સિંહ ગંભીર રીતે ઘાયલ થતા માથામાં લગભગ 14 ટાંકા આવ્યા છે. આ કેસમાં ધારી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી જે પૈકી બે સગીર હતા.
લડાઈ બાદ આરોપી મસ્જિદમાં છુપાઈ ગયો
આરોપ છે કે, આ આરોપીઓ મારામારી કર્યા બાદ મસ્જિદમાં છુપાઈ ગયા હતા. જે બાદ હિન્દુ સંગઠનોએ સંજોલીમાં પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માંગ કરી હતી.
2 સપ્ટેમ્બરે લોકો સંજોલીની વિવાદિત મસ્જિદની સામે પહોંચ્યા અને મસ્જિદની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. હિંદુ સંગઠનોના બેનર હેઠળ પ્રદર્શનકારીઓએ આ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રશાસનને તેને તોડી પાડવાની માંગ કરી હતી.
આ ઘટનાઓ બાદ આ મામલાને રાજકીય રંગ મળ્યો. હિમાચલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો મુખ્ય રીતે સામે આવ્યો હતો.
સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્વ સિંહે વિધાનસભામાં કહ્યું કે, “આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે. બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે.”
અઢી માળની પરવાનગી અને પાંચ માળ ઊભા કરાયા
સંજોલીની આ વિવાદિત મસ્જિદનો કેસ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે ત્યારપછી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સરકાર રહી, પરંતુ કોઈપણ સરકારના કાર્યકાળમાં આ અંગે ગંભીરતા જોવા મળી નહીં.
આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓની પણ બેદરકારી માનવામાં આવી રહી છે. વાસ્તવમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્ટમાં વારંવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચારથી પાંચ માળ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પર એવો પણ આરોપ છે કે, ગેરકાયદેસર બાંધકામને કારણે વીજળી અને પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું નથી.
મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ મંત્રીએ કોર્ટને જણાવ્યું કે, 2012 સુધી મસ્જિદ બે માળની હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામ થયું. નવાઈની વાત એ, પણ છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયુ?
મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે, આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે, મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. મહત્વનું છેકે, આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે થશે.
આ પણ વાંચો: શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિંદુ સંગઠનોનો વિરોધ વકર્યો, બેરિકેડ્સ તોડ્યા, પોલીસનો લાઠીચાર્જ