કચરો ભરવાની ગાડીમાં પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા લઈ જઈ રહેલા સફાઈ કર્મચારીની હકાલપટ્ટી
નવી દિલ્હી,તા.17.જુલાઈ.2022
કચરો ભરવાની ગાડીમાં પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના ફોટાને લઈ જઈ રહેલા એક સફાઈ કર્મચારીની મથુરા કોર્પોરેશને હકાલપટ્ટી કરી છે.
કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઈ કર્મચારી પોતાની કચરા ગાડીમાં બીજા કચરાની સાથે સાથે મોદી અ્ને યોગીનો ફોટો પણ લઈ જતો હોય તેવો વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયોમાં એક વ્યક્તિ કચરા ગાડી સાથે જઈ રહેલા સફાઈ કર્મચારીને અટકાવીને પૂછે છે કે, તમે કોના ફોટો કચરા ગાડીમાં લઈ જઈ રહ્યા છો....એ પછી કર્મચારી જવાબ આપે છે કે સાહેબ મને શું ખબર, કોઈએ બીજા કચરાની સાથે સાથે ફોટા પણ ગાડીમાં મુકી દીધા હતા.
જોકે વિડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશને કાર્યવાહી કરીને કર્મચારીની હકાલપટ્ટી કરી નાંખી છે.