મા ભારતીની સેવા માટેનું સંઘનું સમર્પણ તમામ માટે પ્રેરણાદાયક : મોદી
આરએસએસનો ૧૦૦ વર્ષમાં પ્રવેશ
સંઘે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરી દેશના યુવાઓમાં દેશભક્તિના વિચારો પેદા કર્યા ઃ અમિત શાહ
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ની સ્થાપનાને ૯૯ વર્ષ પૂર્ણ થયા છે અને ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના વખાણ કર્યા હતા. સંઘના વડા મોહન ભાગવતના દશેરાના સંબોધનની લિંક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોદીએ કહ્યું હતું કે સંઘ દેશની સેવા માટે સમર્પિત છે. મા ભારતી પ્રત્યેના આ સમર્પણથી તમામ પેઢીને પ્રેરણા મળે છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે સંઘના આ સમર્પણથી પ્રેરણા લઇને તમામ પેઢી વિકસિત ભારતના લક્ષ્યમાં એક નવી ઉર્જા આપે છે. રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની ૧૯૨૫માં સ્થાપના કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા તે પહેલા સંઘમાં કાર્યકર્તા રહી ચુક્યા છે. કેન્દ્ર સરકારમાં અનેક મંત્રીઓ અને ભાજપના નેતાઓ પણ સંઘમાં રહી ચુક્યા છે. એવામાં સંઘ ૧૦૦ વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે મોદી ઉપરાંત ભાજપના અન્ય નેતાઓએ પણ આ સંસ્થાના વખાણ કર્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સંઘના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ જ્યારથી તેની સ્થાપના થઇ ત્યારથી ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરી રહ્યું છે. એટલુ જ નહીં યુવાઓમાં દેશભક્તિના વિચારો પણ પેદા કરી રહ્યું છે. ટ્વીટર પર પોસ્ટ કરીને અમિત શાહે કહ્યું હતું કે સંઘના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા, સંઘ દેશભક્તિ અને અનુશાસનનું અલગ જ પ્રતિક છે. શૈક્ષણિક કાર્ય દ્વારા યુવાઓમાં દેશભક્તિના વિચારો પેદા કરે છે.