Get The App

સંઘ સ્થાપના દિવસઃ RSSની દશેરા રેલીમાં પ્રથમ વખત મહિલા મુખ્ય અતિથિ

Updated: Oct 5th, 2022


Google NewsGoogle News
સંઘ સ્થાપના દિવસઃ RSSની દશેરા રેલીમાં પ્રથમ વખત મહિલા મુખ્ય અતિથિ 1 - image


- સંઘના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા પર્વતારોહી સંતોષ યાદવને આમંત્રિત કરવામાં આવ્યા 

નાગપુર, તા. 05 ઓક્ટોબર 2022, બુધવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતે વિજયાદશમીની ઉજવણી કરી હતી. સંઘના આ કાર્યક્રમમાં પ્રથમ વખત કોઈ મહિલાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સંઘના પ્રમુખ મોહન ભાગવતે પોતે જ પોતાના સંબોધનમાં આ અંગે સ્પષ્ટ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહિલાઓની ભાગીદારી વગર કોઈ સંગઠન સ્થાપિત ન થઈ શકે.

સંઘના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 2 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ મહિલા પર્વતારોહી સંતોષ યાદવને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સિવાય કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 

1925માં દશેરાના દિવસે સંઘની સ્થાપના

1925માં દશેરાના દિવસે જ નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ કારણે સંઘ માટે દશેરાનો દિવસ ખૂબ ખાસ હોય છે. 1925 બાદ સંઘની દરેક વિજયાદશમીની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કોઈ પુરૂષને આમંત્રિત કરવામાં આવતા હતા. જોકે આ વખતે પ્રથમ વખત કાર્યક્રમમાં કોઈ મહિલાને મુખ્ય અતિથિ તરીકે મંચ પર સ્થાન મળ્યું હતું. 

સંતોષ યાદવે વ્યક્ત કરી પોતાની લાગણીઓ

આ અંગે પર્વતારોહી સંતોષ યાદવે જણાવ્યું કે, 'ઘણી વખત મારા વ્યવહાર અને આચરણના કારણે લોકો મને સવાલ કરતાં કે શું હું સંઘી છું? ત્યારે હું એ શું હોય તેમ પુછતી હતી? એ સમયે હું સંઘ વિશે નહોતી જણતી. આજે એ પ્રારબ્ધ છે કે, હું સંઘના આ સર્વોચ્ય મંચ પર તમારા સૌનો સ્નેહ પ્રાપ્ત કરી રહી છું.'

માતૃશક્તિ અંગે મોહન ભાગવતે શું કહ્યું

સંઘના પ્રમુખ મોહન ભાગવતે આ અંગે જણાવ્યું કે, 'જે કામ માતૃશક્તિ કરી શકે છે તે કામ પુરૂષ ન કરી શકે, આ તેમની શક્તિ છે અને આ કારણે જ તેમને આ રીતે પ્રબુદ્ધ, સશક્ત બનાવવા, તેમનું સશક્તિકરણ કરવું અને તેમને કામ કરવા માટે સ્વતંત્રતા આપવી તથા કાર્યોમાં બરાબરીની સહભાગિતા આપવી મહત્વનું છે.'

રોજગાર વિશે મોહન ભાગવતનું નિવેદન

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, 'રોજગાર એટલે નોકરી અને નોકરી પાછળ જ ભાગશે, અને એ પણ સરકારી. જો બધા લોકો આમ જ દોડશે તો કેટલા લોકોને નોકરી આપી શકાશે? કોઈ પણ સમાજમાં સરકારી અને પ્રાઈવેટ એમ મળીને વધુમાં વધુ 10, 20, 30 ટકા નોકરી હોય છે. બાકી સૌએ પોતાનું કામ કરવું પડે છે.'


Google NewsGoogle News