'સંગમનું જળ સ્નાન યોગ્ય, સપા-વિપક્ષના લોકોએ ખોટો પ્રચાર કર્યો', વિધાનસભામાં બોલ્યા CM યોગી
UP CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં સંગમનું પાણી પીવા લાયક ન હોવાનો દાવો ફગાવ્યો છે. તેમણે સંગમનું જળ માત્ર ડૂબકી માટે જ નહીં પણ પીવા લાયક પણ હોવાનો દાવો કર્યો છે. તેમજ સીપીસીબીના રિપોર્ટને મહાકુંભને બદનામ કરવાનું વિપક્ષનું ષડયંત્ર ગણાવ્યું છે.
ગઈકાલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રિપોર્ટ સોંપતા જાહેરાત કરી હતી કે, 'સંગમનું પાણી સ્નાન માટે પણ યોગ્ય નથી. તેનું આચમન કરી શકાય નહીં. તેમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું છે. જો કે, સીએમ યોગીએ આ રિપોર્ટને ખોટો ગણવતાં આજે જણાવ્યું હતું કે, 'સનાતન ધર્મ વિરુદ્ધ ખોટા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમજ પાયાવિહોણા આરોપો પણ મૂકાઈ રહ્યા છે. મા ગંગા, મહાકુંભ એ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. સંગમનું જળ ડૂબકી માટે જ નહીં પણ પીવા લાયક છે. સપા અને વિપક્ષ આ મામલે ખોટો પ્રચાર કરી રહી છે.'
આ પણ વાંચોઃ મહાકુંભમાં સ્નાન કરવા લાયક નથી સંગમનું પાણી: CPCBએ NGTને સોંપ્યો રિપોર્ટ
શાયરીની સાથે વિપક્ષ પર કટાક્ષ
સીએમ યોગીએ વિધાનસભામાં વિપક્ષને કહ્યું કે, 'ધ્યાન આપો, આ ઉર્દૂમાં નથી, આ શાયરી હિન્દીમાં છે. એમ પણ સપાના સંસ્કાર જ આ છે કે, તે સારી બાબતોનો વિરોધ કરે છે. બડા હસીન હૈ ઈનકી જુબાન કા જાદુ, લગા કે આગ બહારો કી બાત કરતે હૈ, જિન્હોને રાત કો ચુન ચુન કે બસ્તીઓ કો લૂંટા વહી અબ બહારો કી બાત કરતે હૈ.'
અકબરનો કિલ્લો ખબર છે, સરસ્વતી કૂપની જાણ નથી
સીએમ યોગીએ સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલની ભાષા અંગે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આ કોઈ સભ્ય સમાજની ભાષા નથી. સપાના નેતા અકબરનો કિલ્લો જાણે છે, પરંતુ અક્ષયવટ અને સરસ્વતી કૂપના મહત્ત્વથી અજાણ છે. આ તેમનું સામાન્ય જ્ઞાન છે મહાકુંભ અને પ્રયાગરાજ અંગે..શું મહાકુંભને ભવ્ય બનાવવો અપરાધ છે. અમે સરકાર તરીકે નહીં, પણ સેવક તરીકે કામ કર્યું છે. આમ પણ કોઈપણ મહાન કાર્યને ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે - ઉપહાસ, વિરોધ અને સ્વીકૃતિ.