VIDEO : 'મેં પાઘડી પહેરી તો તમે મને ખાલિસ્તાની કહેશો?', સંદેશખાલીમાં ભાજપ નેતા સાથે શીખ અધિકારીની બોલાચાલી
Sandeshkhali Case : પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની સાથે કથિત યૌન ઉત્પીડનનો મામલો હાલ ખુબ ચર્ચાસ્પદ બન્યો છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ આજે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ સંદેશખાલીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એક શીખ અધિકારીને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કથિત રીતે 'ખાલિસ્તાની' કહેવાના મામલે નવો વિવાદ શરૂ થયો છે.
શીખ IPS અધિકારીએ ભાજપ નેતાઓને સંદેશખાલી જવાથી રોક્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારબાદ સોશિયલ મીડિયા પર કહેવાયું છે કે, ભાજપ નેતાઓએ અધિકારીને 'ખાલિસ્તાની' કહ્યા છે. જોકે, ભાજપ નેતાઓએ આ વાતને ફગાવી દીધી છે.
મમતા બેનર્જીએ પણ આ મામલે આપી પ્રતિક્રિયા
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ નેતા અને પોલીસ અધિકારીનો વીડિયો 'X' પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, 'આનાથી એ સમજી શકાય છે કે શીખોને લઈને ભાજપની કેવી માનસિકતા છે. ભાજપની વિભાજનકારી રાજનીતિએ બેશરમીથી બંધારણીય મર્યાદા ઓળંગી છે અને શીખો પ્રત્યે તેમનું (ભાજપ) વલણ પણ ખૂબ જ ખરાબ છે.'
શું હતો મામલો?
IPS અધિકારી જસપ્રીત સિંહ પોતાની ટીમની સાથે ધમાખાલીમાં તૈનાત હતા અને તેમણે કાલિંદી નદીને પાર સ્થિત સંદેશખાલી જવાથી ભાજપ નેતાઓને રોકવા માટે તૈનાત કરાયા હતા. આ દરમિયાન ભાજપ નેતાઓની સાથે તેમની વાતચીત એક વીડિયો દ્વારા પણ સાંભળી શકાય છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, 'માત્ર એટલા માટે કે મેં પાઘડી પહેરી છે, તમે લોકો મને ખાલિસ્તાની કહી રહ્યા છો? શું તમે આ જ શીખ્યું છે? જો કોઈ પોલીસ અધિકારી પાઘડી પહેરે છે અને ઈમાનદારીથી પોતાનું કર્તવ્ય નિભાવે છે તો તેઓ તમારા માટે ખાલિસ્તાની થઈ જાય છે? તમને શરમ આવવી જોઈએ.'