'ભાજપે કોરા કાગળ પર સહી લઈ દુષ્કર્મનો ખોટો કેસ કર્યો..' પ.બંગાળના સંદેશખાલીની મહિલાનો ધડાકો
West bangal sandeshkhali news | પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણમાંથી એક મહિલાએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ સામે મૂકેલા દુષ્કર્મના આરોપો પાછા ખેંચી લેતાં નવી ચર્ચા છંછેડાઈ છે. પ.બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની રહેવાસી મહિલાએ આરોપ પાછો ખેંચતાં કહ્યું કે મારી પર દુષ્કર્મ થયું જ નથી. તેણે આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ મારાથી એક કોરા કાગળ પર સહી કરાવી અને પછી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
મારાથી કોરા કાગળ પર સહી લીધી...
અહેવાલ અનુસાર મહિલાએ કહ્યું કે, ભાજપે મારા પર કોરા કાગળો પર સહી કરવા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખોટા આરોપો પાછા ખેંચવા બદલ હવે મહિલાએ ધમકીઓ અને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મહિલાએ સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ પણ નોંધાવી છે. સંદેશખાલીમાં મહિલાઓ પર દુષ્કર્મનો કથિત કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો.
આવાસ યોજનાના નામે નકલી સહીઓ કરાવી
અહેવાલ મુજબ મહિલાએ આરોપ લગાવ્યો છે કે સ્થાનિક ભાજપ મહિલા મોરચાના અધિકારીઓ અને અન્ય પાર્ટીના સભ્યો તેના ઘરે આવ્યા હતા. આ પછી તેને નકલી ફરિયાદ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. મહિલાએ કહ્યું, એ લોકોએ આવાસ યોજનામાં મારું નામ સામેલ કરવાના બહાને મારી સહી લીધી હતી. બાદમાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં મને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું. TMC ઑફિસમાં મારી કોઈ જાતીય સતામણી કરવામાં આવી ન હતી. મને ક્યારેય મોડી રાત્રે પાર્ટી ઓફિસ જવા માટે દબાણ કરવામાં આવ્યું નથી.
ભાજપના લોકો સામાજિક બહિષ્કાર કરી રહ્યા છે : મહિલા
મહિલાએ કહ્યું છે કે જ્યારથી તેણે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે અને દુષ્કર્મના આરોપો પાછા ખેંચ્યા છે ત્યારથી તેના પરિવારને સ્થાનિક ભાજપના અધિકારીઓના સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાએ કહ્યું, અમે અસુરક્ષિત અનુભવી રહ્યાં છીએ અને હવે પોલીસની મદદ માંગી છે."
સંદેશખાલી દુષ્કર્મ કેસ પહેલાથી જ ફેક હોવાનો દાવો થયો હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સામે આવ્યો હતો. તેના પછી જ ભાજપના નેતાઓ પર મહિલા તરફથી આ આરોપો લગાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે સંદેશખાલીમાં ષડયંત્ર પાછળ પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીનો હાથ હતો. અહેવાલ મુજબ, ગંગાધર કોયલ નામના ભાજપ મંડલ (બૂથ) પ્રમુખ વીડિયોમાં કથિત રીતે કહે છે કે સંદેશખાલીની મહિલાઓની કોઈ રીતે જાતીય સતામણી કરાઈ નથી. વિપક્ષના નેતાના આદેશ પર તેમને દુષ્કર્મ પીડિત તરીકે આગળ કરાઈ હતી.