સંદેશખલીના ગુનેગારોએ આખું જીવન જેલમાં કાઢવું પડશે : મોદી
- લોટ માટે તરસતા દેશમાંથી આતંકીઓ આવીને હુમલા કરી જતા હતા
- ઈન્ડિયા ગઠબંધને ક્યારેય રાજબન્શી, નામસુદ્ર અને મતુઆ કોમ્યુનિટીની ચિંતા નથી કરી, હવે સીએએનો વિરોધ કરે છે
કુચબિહાર : કેન્દ્રમાં સ્થિર અને મજબૂત સરકારની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખલી મુદ્દે તૃણમૂલ કોંગ્રેસની મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. કૂચબિહારમાં પીએમ મોદીએ કહ્યું કે બંગાળ અને આખા દેશે જોયું કે કેવી રીતે સંદેશખલીના ગૂનેગારોને બચાવવા માટે રાજ્ય સરકારે સંપૂર્ણ તાકત લગાવી દીધી હતી. પરંતુ હું ગેરંટી આપું છું કે સંદેશખલી મુદ્દે ન્યાય થશે. ગુનેગારોએ બાકીનું આખું જીવન જેલમાં જ કાઢવું પડશે. આ સાથે વડાપ્રધાને સીએએ રોકવા બદલ પણ તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંગાળમાં મહિલાઓની સુરક્ષા માટે, બંગાળના વિકાસ માટે અહીં ભાજપનું મજબતૂ થવું ખૂબ જ જરૂરી છે. ભાજપ જ અહીં માતાઓ-બહેનો પરના અત્યાચાર રોકી શકે છે.
આખા દેશે જોયું કે સંદેશખલીના ગુનેગારોને બચાવવા માટે રાજ્ય સરકારે બધી જ તાકત લગાવી દીધી. સંદેશખલીની મહિલાઓ સાથે જે થયું તે અત્યાચારની પરાકાષ્ઠા હતી. ભાજપે સંકલ્પ લીધો છે કે તે સંદેશખલીના દોષિતોને સજા અપાવીને જ રહેશે. તેમણે જેલમાં જ જીવન પસાર કરવું પડશે.
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાં જે વિકાસ થયો છે તે તો માત્ર ટ્રેલર છે. હજુ તો મારે ઘણું બધું કરવાનું છે. હજુ તો આપણે દેશને, પશ્ચિમ બંગાળને આગળ લઈ જવાનો છે. મારા વિરોધી કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી, પરંતુ મારા માટે તો ભારત જ મારો પરિવાર છે.
વડાપ્રધાન મોદીએ નાગરિક્તા સુધારા કાયદો (સીએએ) અંગે જુઠ્ઠાણાં ફેલાવવા બદલ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનની ટીકા કરી હતી.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, મા ભારતીમાં વિશ્વાસ રાખનારા લોકોને નાગરિક્તા પૂરી પાડવી એ મોદીની ગેરેન્ટી છે. ઈન્ડિયા ગઠબંધને ક્યારેય રાજબન્શી, નામસુદ્ર અને મતુઆ કોમ્યુનિટીની ચિંતા નથી કરી. હવે અમે સીએએ લાવી રહ્યા છીએ તો તેઓ તેના અંગે જુઠ્ઠાણાં ફેલાવે છે.
પીએમ મોદીએ બિહારના જમુઈમાં કહ્યું કે, આખા વિશ્વએ જોયું કે કોણ મુશ્કેલ નિર્ણયો લઈ શકે છે. મોદીએ દેશને ભ્રષ્ટાચાર અને આતંકવાદથી મુક્ત કરાવવા માટે અત્યંત મુશ્કેલ નિર્ણયો લીધા છે. આજે એકબાજુ કોંગ્રેસ અને રાજદ જેવા પક્ષો છે, જેમણે પોતાની સરકારનો સમય આખી દુનિયામાં દેશનું નામ બદનામ કર્યું છે. બીજી તરફ ભાજપ અને એનડીએ છે, જેના નેતૃત્વમાં વિકસિત ભારત અને મજબૂત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના રાજમાં ભારતને નબળો અને ગરીબ દેશ મનાતો હતો. આજે લોટ માટે પણ તરસતા નાના દેશ ભારતમાં આતંકી હુમલા કરીને જતા રહેતા હતા. ત્યારે કોંગ્રેસ બીજા દેશોને ફરિયાદ કરતી હતી. પરંતુ વર્તમાન સરકારમાં એવું નથી થતું. આતંકીઓ હવે હુમલા કરવાની હિંમત નથી કરી શકતા.