સરકાર કોઈ વ્યક્તિને બચાવવાનો...:મમતા સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સંદેશખાલી મામલે CBI તપાસ ચાલુ રહેશે
Image Source: Twitter
Sandeshkhali Case: સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની એ અરજી ફગાવી દીધી છે જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલે CBI તપાસનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા
કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર કોઈ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કેમ કરી રહી છે!
હાઈકોર્ટે CBI તપાસના આપ્યા છે આદેશ
સંદેશખાલીમાંTMCમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા શાહજહાં શેખ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાનો આરોપ હતો. આ મામલે વિપક્ષે મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું. આ મામલે હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. મમતા બેનર્જીએ સંદેશખાલી મામલે CBI તપાસના આદેશના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
આ પહેલા આ મામલે સુપ્રીમ કોર્ટમાં 29 એપ્રિલના રોજ સુનાવણી થઈ હતી. ત્યારે જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને બચાવવા માટે રાજ્ય સરકાર અરજી તરીકે કેમ આવી છે? તેના પર મમતા સરકારના વકીલ જયદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની સતત કાર્યવાહી છતાં આ કોમેન્ટ આવી છે.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી
મમતા સરકાર દ્વારા હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલે સુનાવણી ટાળવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ અન્ય કારણોસર આ અરજી લગાવવામાં આવી છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન સિંઘવીએ કહ્યું કે, માત્ર સંદેશખાલી જ નહીં આ અરજી રાશન કૌભાંડ સાથે પણ જોડાયેલી છે, જેમાં 43 FIR નોંધાયેલી છે. જોકે, સુપ્રીમ કોર્ટની બેંચ તેમની આ દલીલ પર સંમત ન થઈ અને અરજી ફગાવી દીધી.