છ વર્ષથી પાકિસ્તાનમાં ઊભી છે ભારતની ટ્રેન, કાટ લાગી ગયો, જાણો કેમ પાછી ન આવી
Samjhauta Express: ભારતની એક ટ્રેન છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનમાં ઉભી છે. સમય જતાં આ ટ્રેનના ડબ્બાઓની હાલત એટલી ખરાબ ગઈ છે કે તે હવે સડવાની અણી પર આવી ગઈ છે. આ ટ્રેન બીજી કોઈ નહીં પણ સમજૌતા એક્સપ્રેસ છે, જે એક સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતાનું પ્રતીક માનવામાં આવતી હતી. ચાલો જાણીએ આ ટ્રેન સાથે જોડાયેલો સંપૂર્ણ ઈતિહાસ.
સમજૌતા એક્સપ્રેસની શરૂઆત 22 જુલાઈ 1976ના રોજ અટારી-લાહોર વચ્ચે થઈ હતી
હકીકતમાં સમજૌતા એક્સપ્રેસની શરૂઆત 22 જુલાઈ 1976ના રોજ અટારી-લાહોર વચ્ચે થઈ હતી. આ ટ્રેન ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલા શિમલા કરાર (1971) હેઠળ ચલાવવામાં આવી હતી. શરૂઆતમાં આ ટ્રેન દરરોજ ચાલતી હતી, પરંતુ 1994માં તેને અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, 2019માં જ્યારે ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી, ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો. આ કારણે સમજૌતા એક્સપ્રેસ બંધ થઈ ગઈ. તે સમયે ભારતની ટ્રેનના 11 ડબ્બા પાકિસ્તાનના લાહોરમાં હતા. આ ડબ્બા હજુ પણ ત્યાં જ ઊભા છે અને તેને કાટ લાગી ગયો છે.
બંને દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે જુલાઈથી ડિસેમ્બર સુધી ભારતીય ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ એન્જિન પાકિસ્તાનના હતા. જાન્યુઆરીથી જૂન સુધી ભારતમાં પાકિસ્તાનના ડબ્બા અને એન્જિનનો ઉપયોગ થતો હતો. 2019માં જ્યારે રેલ સેવા સ્થગિત કરવામાં આવી ત્યારે 11 ભારતીય ડબ્બા પાકિસ્તાનમાં હતા અને 16 પાકિસ્તાની ડબ્બા ભારતના અટારી રેલવે સ્ટેશન પર હતા.
ફેબ્રુઆરી 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા માટે ભારતે પાકિસ્તાનને આપેલા રાજદ્વારી જવાબોમાં સમજૌતા એક્સપ્રેસને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અટારી (ભારત) અને લાહોર (પાકિસ્તાન) વચ્ચે દર ગુરુવાર અને સોમવારે 29 કિમીનું અંતર કાપનારી શાંતિ ટ્રેન, જે અટારી અને વાઘા વચ્ચે માત્ર 3.25 કિમીનું સૌથી ટૂંકું ઈન્ટરનેશનલ અંતર કાપતી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને રાજદ્વારી ગતિરોધને કારણે આ ટ્રેન આજે પણ ત્યાં જ ઉભી છે. આ 6 વર્ષોમાં કોચની હાલત બગડી છે, તેને કાટ લાગી ગયો છે પરંતુ બંને દેશો પોત-પોતાના સ્ટેન્ડ પર અડગ છે. સમજૌતા એક્સપ્રેસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતાનું એક મહત્વપૂર્ણ પ્રતીક હતું, પરંતુ રાજકીય અને રાજદ્વારી કારણોસર તે હવે ઈતિહાસ બનતી જઈ રહી છે. આશા છે કે બંને દેશો વચ્ચે કોઈ ઉકેલ આવશે અને આ ટ્રેન પોતાના દેશમાં પાછી ફરી શકશે. એક અહેવાલ પ્રમાણે અમૃતસરના ન્યુરોલોજીસ્ટ ડૉ. માણિક મહાજને જણાવ્યું હતું કે 'સમજૌતા એક્સપ્રેસ ફરી શરૂ થવાથી બંને બાજુ વેપાર અને સમૃદ્ધિ તો આવશે જ, પરંતુ યાત્રાળુઓની પ્રાર્થનાઓ પણ પૂર્ણ થશે અને પંજાબમાં તબીબી પર્યટનને પ્રોત્સાહન મળશે. આ મુદ્દાને લાંબા સમય સુધી અવગણવો ન જોઈએ.