Special Marriage Act: એ કાયદો છે જે અંતર્ગત મેરેજ રજીસ્ટ્રેશન કરવાની સમલૈંગિક દ્વારા કરવામાં આવી હતી માંગ

સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની કરી મનાઈ

સમલૈંગિકની માંગ હતી કે તેમના લગ્ન સ્પેશીયલ મેરેજ એક્ટ હેઠળ રજીસ્ટર થાય

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Special Marriage Act: એ કાયદો છે જે અંતર્ગત મેરેજ રજીસ્ટ્રેશન કરવાની સમલૈંગિક દ્વારા કરવામાં આવી હતી માંગ 1 - image


Same Sex Marriage Verdict: સુપ્રીમ કોર્ટે લગભગ બે મહિના સુધી સુનાવણી કર્યા પછી અંતે દેશમાં સજાતીય લગ્નોને કાયદાકીય મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, સજાતીય લગ્નો મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતની બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ, જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલી સામેલ હતા. જેમાં ચૂકાદો 3-2 થી વિભાજિત રહ્યો હતો. 

સજાતીય લગ્નને કાનૂની માન્યતા અપાવવા થઇ હતી 21 અરજીઓ

સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી 21 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલથી તેના પર સુનાવણી શરૂ કરી હતી. સતત દસ દિવસ સુધી સુનાવણી બાદ કોર્ટે 11 મેના રોજ પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાયદો બનાવવાનું કામ સંસદનું છે. તેમાં ન્યાયતંત્ર દખલ કરી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે સજાતીય યુગલોના જીવનસાથી પસંદ કરવાના અને સંબંધો બનાવવાના અધિકારોને માન્યતા આપી હતી તેમજ તેમને બેન્કમાં સંયુક્ત ખાતું ખોલાવવા સહિત અન્ય કેટલાક કાયદાકીય અધિકારો અપાવવા માટે સમિતિ બનાવવાની કેન્દ્ર સરકારનું સૂચન સ્વીકારી લીધું હતું.

જેન્ડર ન્યુટ્રલ કાયદો બનાવવાની માંગ 

સમલૈંગિકો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવે. તેમજ આ કાયદાને જેન્ડર ન્યુટ્રલ બનાવવો જોઈએ. એવી માંગ કરવામાં આવી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં 'પુરુષ અને સ્ત્રી વચ્ચેના લગ્ન'નો ઉલ્લેખ છે. આમાં 'પુરુષ' અને 'સ્ત્રી'ને બદલે 'વ્યક્તિ' લખવું જોઈએ.

સ્પેશીયલ મેરેજ એક્ટ શું છે?

તે અલગ અલગ ધર્મ કે જાતિના લોકો લગ્ન કરી શકે છે તે માટે 1954માં સ્પેશીયલ મેરેજ એક્ટ બનાવવામાં આવ્યો હતો. જેમાં લગ્ન પછી તેનું રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહે છે. અલગ અલગ ધર્મના પોતપોતાના પર્સનલ કાયદાઓ હોય છે. જે તે ધર્મમાં માનતા લોકો પર લાગુ પડે છે. જેમકે હિન્દુ પર્સનલ લો માત્ર હિંદુઓ પર જ લાગુ પડે છે. આથી પતિ અને પત્ની બંનેનું હિન્દુ હોવું જરૂરી છે. 

પરંતુ સ્પેશીયલ મેરેજ એક્ટમાં બધા ધર્મ એટલે કે હિંદુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ એમ બધા ધર્મ પર લાગુ પડે છે. આ કાયદા હેઠળ મેરેજ રજીસ્ટ્રેશન કરવા માટે ધર્મ પરિવર્તન કરવાની જરૂરિયાત નથી. આ કાયદા અંતર્ગત ભારતના દરેક નાગરિકને બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે કે તે કોઈપણ જાતિ કે ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. 

આ કાયદા હેઠળ કોણ લગ્ન કરી શકે?

આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ લગ્ન કરી શકે છે. એકમાત્ર શરત એટલી છે કે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવા માટે ધર્મ બદલવાની જરૂર નથી. જો છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મ કે જાતિના હોય તો પણ તેમના લગ્ન આ કાયદા હેઠળ રજીસ્ટર થઈ શકે છે.

મેરેજની પ્રક્રિયા શું છે?

કાયદાની કલમ 5, 6 અને 7 હેઠળ, દંપતીએ લગ્નના 30 દિવસ પહેલા મેરેજ રજિસ્ટ્રારને નોટિસ આપવી પડશે કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ મેરેજ રજિસ્ટ્રાર બંને પક્ષોને નોટીસ પાઠવે છે. જો કોઈને આ લગ્ન સામે કોઈ વાંધો હોય તો તે 30 દિવસની અંદર રજિસ્ટ્રાર પાસે તેની નોંધણી કરાવી શકે છે. જો વાંધો સાચો હોવાનું જણાય તો રજિસ્ટ્રાર લગ્નનો ઇનકાર કરી શકે છે. જો કોઈ વાંધો ન હોય તો લગ્ન પ્રક્રિયા શરૂ થાય છે. લગ્ન ફક્ત મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં જ થાય છે. આ માટે ત્રણ સાક્ષીઓની જરૂર છે.

Special Marriage Act: એ કાયદો છે જે અંતર્ગત મેરેજ રજીસ્ટ્રેશન કરવાની સમલૈંગિક દ્વારા કરવામાં આવી હતી માંગ 2 - image


Google NewsGoogle News