'બે રાજ્યોમાં સમાન EPIC નંબર ફેક મતદારનો પુરાવો નથી..', ચૂંટણીપંચની સ્પષ્ટતા, હવે લીધો મોટો નિર્ણય
Election Commission News | દેશના વિવિધ રાજ્યોમાં વિપક્ષના સભ્યોએ મતદાતાઓને જારી કરેલા સમાન EPIC નંબરને લઇને ચિંતા વ્યક્ત કરી છે આ મુદાને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે EPIC નંબર કોઇ પણ હોય પરંતુ મતદાતાનું નામ જ્યાં નોંધાયું હોય ત્યાંજ નિર્ધારીત મતદાન કેન્દ્ર પર તેઓ મતદાન કરી શકે છે.
ચૂંટણી પંચે એક નવી પહેલ કરતા મતદારોને એક યૂનિક EPIC નંબર ફાળવવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચનું કહેવું છે કે કેટલાક મતદારોને EPIC નંબર સમાન હોય શકે છે પરંતુ સમાન EPIC નંબરવાળા મતદારો માટે જનસંખ્યાનું વર્ણન, વિધાનસભાનું ક્ષેત્ર અને મતદાન કેન્દ્ર સહિત અન્ય વર્ણન અલગ અલગ છે. ચૂંટણીપંચે મતદાર યાદીમાં હેરાફેરીના આરોપોને નિરાધાર ગણાવીને કહ્યું કે ડુપ્લીકેટ મતદાતા ઓળખપત્ર નંબર હોવાનો મતલબ એ નથી કે મતદાર ડુપ્લીકેટ છે. પંચનું આ સ્પષ્ટીકરણ વિવિધ સોશ્યલ મીડિયા પોસ્ટના જવાબમાં રવિવારે અપાયો છે. ચૂંટણીપંચે કહ્યું છે કે કોઇપણ શંકાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. શંકા દૂર કરવા માટે નોંધાયેલા મતદારોને યૂનીક EPIC નંબર ફાળવવાનો નિર્ણય પણ કરાયો છે.
ચ્ંંટણીપંચે વધુમાં કહ્યું હતું કે ડુપ્લીકેટ EPIC નંબરના કોઇપણ કિસ્સામાં યૂનીક EPIC નંબર ફાળવીને ઠીક કરવામાં આવશે. આ પ્રક્રિયાની મદદ માટે ઇઆરઓએનઇટી 2.0 પ્લેટફોર્મને અપડેટ કરવામાં આવશે. ચૂંટણીપંચે વિવિધ રાજ્યોમાં કેટલાક મતદારોને જારી કરેલા સમાન EPIC નંબરનું કારણે પણ જણાવ્યું છે. ચૂંટણીપંચે કહ્યું કે આ અગાઉ અપનાવેલ વિકેન્દ્રીકૃત અને મેન્યુઅલ પ્રણાલીના કારણે થયું છે. તેના પરિણામે કેટલાક રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયોએ એક જ અલ્ફાન્યૂમેરીક શ્રેણીનો ઉપયોગ કર્યો છે. તેના કારણે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં મતદારોને ડુપ્લીકેટ EPIC નંબર ફાળવી દેવાયા હોય શકે છે.