હિંસાગ્રસ્ત સંભલ જતાં રાહુલ-પ્રિયંકા દિલ્હી પરત, યુપી સરકાર તરફથી પરવાનગી ન આપવામાં આવી
Image Source: Twitter
Sambhal Violence : હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંભલ ન પહોંચવા દેવાના પ્રયાસ કરતા પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવી દીધો હતો. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સાથે બુધવારે હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે રવાના થયા હતા પરંતુ તેમને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી થોડીવાર ત્યાં રોકાઈને દિલ્હી પરત થઈ ગયા હતા.
પોલીસે રાહુલ-પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ 30 મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસે પોલીસ અધિકારીઓને કહ્યું કે, માત્ર 5 લોકોને જ જવા દેવા જોઈએ. જો કે, અધિકારીઓએ તેમને કહ્યું કે સંભલમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના DCP નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી.
તેમની સાથે કેસી વેણુગોપાલ, કેએલ શર્મા, ઉજ્જલ રમણ સિંહ, તનુજ પુનિયા અને ઈમરાન મસૂદ પણ છે. રાહુલ અને પ્રિયંકા સંભલમાં તાજેતરની હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર સાથે મળવાના ઈરાદા સાથે ત્યાં જવા માગતા હતા. જો કે, સ્થાનિક પ્રશાસને 10 ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ દિલ્હીની સરહદ પર પોલીસ તહેનાત છે અને બેરિકેડિંગ કરવામાં આવી છે. વહીવટીતંત્રની સંપૂર્ણ તૈયારી હતી કે, દિલ્હીની સરહદે જ રાહુલ ગાંધીને રોકી લેવામાં આવે.
- જોકે, રાહુલ ગાંધીના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દેવામાં આવ્યો હતો.
- રાહુલ અને પ્રિયંકા સાથે સંભલ જવા માટે નીકળેલા ઈમરાન મસૂદે કહ્યું કે, તમે આ રસ્તો જલ્દી ખોલી દો. તમે લોકોને કેમ પરેશાન કરી રહ્યા છો? જો તમે અમને નથી જવા દેવા માગતા તો અમને રોકો પરંતુ લોકોનો રસ્તો બંધ ન કરો.
- તનુજ પૂનિયાએ કહ્યું કે, આજે ન જવા દેશો તો અમે બાદમાં જઈશું, 10 તારીખ પછી જઈશું.
- યુપી કોંગ્રેસ ચીફ અજય રાયે કહ્યું કે, અમે 5 લોકો જઈશું, 5 લોકોને તો મંજૂરી છે. કલમ 163માં મંજૂરી હોય છે કે, 5 લોકો જઈ શકે છે. સંભલમાં અત્યાચારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- રાહુલ અને પ્રિયંકાની સંભલ મુલાકાતની સંભાવનાના કારણે બ્રજઘાટ, અમરોહામાં પોલીસ બેરિકેડિંગ લગાવવામાં આવી છે. ત્યારબાદ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
- આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાઝીપુર NH9 પર દેખાવ કરી રહ્યા છે અને રઘુપતિ રાઘવ ગાય રહ્યા છે.
કોંગ્રેસના નેતા અજય કુમાર લલ્લુએ કહ્યું કે, સરકાર અમને કેમ રોકી રહી છે? તેઓ શું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેઓ શેનાથી ડરી રહ્યા છે? વિપક્ષના નેતા હોવાના કારણે રાહુલ ગાંધીને દેશમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો અધિકાર છે. સંભલમાં જે ઘટના બની તે અત્યંત નિંદનીય છે, લોકો માર્યા ગયા છે, તેના માટે જવાબદાર કોણ? વિપક્ષના નેતાઓ ઘટનાસ્થળે નહીં જાય તો સંસદમાં આ મુદ્દો કેવી રીતે ઉઠાવશે? અમે સંભલની સ્થિતિ જોવા માગીએ છીએ, પરંતુ સરકાર અમને કેમ રોકી રહી છે? શું આ સરમુખત્યારશાહી નથી? રાહુલ ગાંધી ચોક્કસપણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે અને તેમના માટે અવાજ ઉઠાવશે.
શું છે સમગ્ર મામલો?
24 નવેમ્બરના રોજ ASIની ટીમ કોર્ટના આદેશ બાદ સંભલમાં જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચી હતી ત્યારે ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હિંસા બાદ ચાર દિવસ સુધી બજારો બંધ રહી હતી અને વિસ્તારમાં તણાવનો માહોલ રહ્યો હતો. સંભલ પ્રશાસને જિલ્લામાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસ બદમાશોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં 300થી વધુ આરોપીઓના પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે.